લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા જિલ્લાની સાવલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે સોમવારે રાત્રે અચાનક ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. જોકે ભાજપે કેતન ઈનામદારને સમજાવવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાથેની મુલાકાત પછી તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

ઈનામદારે જણાવ્યું હતું કે મેં મારી વેદના સીઆર પાટીલ સામે રજૂ કરી હતી. મેં મારા અંતર આત્માની વાત કરી હતી. અમારા વચ્ચે સકારાત્મક માહોલમાં ચર્ચા થઈ હતી. જૂના કાર્યકરના માન સન્માનની વાત હતી. દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે. હું 2027ની ચૂંટણી નહીં લડું.

અગાઉ વિધાનસસભાના સ્પીકર શંકર ચૌધરીને કરેલા ઇ-મેઇલમાં કેતન ઈનામદારે જણાવ્યુ હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતરાત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી છે.

કેતન ઈનામદારે આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થાય છે અને નવા લોકોને આગળ લાવવામાં આવે છે. કેતન ઈનામદાર સહકારી ક્ષેત્રમાં અગ્રણી નેતા છે. 2012માં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતાં. આ પછી 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં અને ધારાસભ્ય બન્યા હતા. તેમણે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. સાવલી વિધાનસભા પર તેમનો પ્રભાવ છે.  અગાઉ પણ, તેમણે જાન્યુઆરી 2020 માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ સ્પીકરે તેને સ્વીકાર્યું ન હતું.

 

LEAVE A REPLY

ten + 15 =