(ANI Photo/Shrikant Singh)

ગયા મહિને ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેના રવિવારે (3 ડીસેમ્બર) જાહેર થયેલા પરિણામોમાં રાજકિય નિરીક્ષકો તેમજ લોકધારણા કરતાં વાસ્તવિકતા થોડી અલગ રહી છે અને તેનાથી ઘણાને આંચકો લાગ્યો છે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે, તો અપેક્ષાથી વિરૂદ્ધ છત્તીસગઢમાં કોંગ્રેસનો પરાજય થયો છે. રાજસ્થાનમાં પરંપરા જળવાઈ છે અને ભાજપનો વિજય ધ્વજ લહેરાયો છે, તો મધ્ય પ્રદેશમાં અપેક્ષા વિરૂદ્ધ ભાજપે સત્તા જાળવી છે. દક્ષિણના એકમાત્ર રાજ્ય તેલંગણમાં સત્તાધારી બીઆરએસને હરાવી કોંગ્રેસે વિજય મેળવ્યો છે, જ્યારે ઈશાનના મિઝોરમમાં સોમવારે મતગણતરી શરૂ થઈ હતી અને બપોરે મળતા ટ્રેન્ડ્સ મુજબ મિઝોરમમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત જણાતું હતું.

મધ્ય પ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી 229ના પરિણામો જાહેર થયા હતા અને તેમાં ભાજપને 163, કોંગ્રેસ તથા તેના સાથીઓને 66 બેઠકો મળી હતી. અગાઉની વિધાનસભાની તુલનાએ ભાજપે વધુ 54 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો, તો કોંગ્રેસે 48 બેઠકો ગુમાવી હતી. આ વખતે, ભાજપે તેની પરંપરાઓથી વિરૂદ્ધ, તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કર્યું નહોતું. આથી શિવરાજસિંહ ચૌહાણની જગ્યાએ હવે મધ્ય પ્રદેશમાં નવો ચહેરો જોવા મળે તેવું લગભગ નિશ્ચિત છે.

રાજસ્થાનમાં 199 બેઠકોમાંથી ભાજપે 115 તથા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ 70 બેઠકો મેળવી હતી. અગાઉની વિધાનસભાની તુલનાએ ભાજપે વધુ 42 બેઠકો મેળવી હતી, તો કોંગ્રેસે 30 બેઠકો ગુમાવી હતી. રાજસ્થાનમાં પણ ભાજપે પોતાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કર્યું નહોતું અને રાજયનું સુકાન હવે કોને સોંપાશે તે જોવાનું રહે છે.

સૌથી વધુ ચોંકાવનારા ગણાતા છત્તીસગઢના પરિણામોમાં 90 બેઠકોમાંથી ભાજપને 54 અને કોંગ્રેસને 35 બેઠકો મળી હતી. અહીં અગાઉની તુલનાએ ભાજપે 39 બેઠકો વધુ મેળવી હતી, તો કોંગ્રેસે 33 બેઠકો ગુમાવી હતી.
દક્ષિણના રાજ્ય તેલંગણમાં કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસ તથા તેના સાથી પક્ષોએ 65 બેઠકો મેળવી હતી, તો અગાઉની

વિધાનસભામાં મુખ્ય પ્રધાન કેસીઆરના હુલામણા નામે ઓળખાતા કે. ચન્દ્રશેખર રાવની પાર્ટી સત્તાધારી બીઆરએસ અને તેના સાથીઓને 39 બેઠકો મળી હતી. અહીં ભાજપ અને તેના સાથી પક્ષોએ પણ તમામ તાકાત લગાવી દીધી હોવા છતાં તેમને ફક્ત 8 બેઠકો મળી હતી.

હવે થોડા જ મહિનાઓમાં, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેની સેમિફાઈનલ જેવી ગણાતી આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં 3-1ના સ્કોર પછી વડાપ્રધાન મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, આજના વિજયની હેટ્રિકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રિકની ગેરન્ટી આપી દીધી છે.

દક્ષિણના રાજ્યમાં ભાજપ માટે પ્રવેશદ્વાર સમાન કર્ણાટકનું રાજ્ય ગુમાવ્યાના કેટલાક મહિનામાં જ હિન્દી પટ્ટામાં એકસાથે ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપમાં ઉત્સાહનો સંચાર થયો છે. નવી દિલ્હીથી લઈને ભોપાલ, જયપુર, રાયપુર સહિતના ભાજપના કાર્યાલયો પર કાર્યકરોએ જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરતાં ‘મોદીની ગેરન્ટી’નો વિજય થયોના નારા લગાવ્યા હતા.

મધ્ય પ્રદેશમાં ૧૮ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ચાર વખતના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ એન્ટી-ઈન્કમ્બન્સીને ખાળવામાં ભાજપ સફળ રહ્યો હતો.

આ પરિણામો પછી હવે લોકસભામાં ભાજપ સામે લડવા માટે રચાયેલા ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં કોંગ્રેસની પોઝીશન નબળી થઈ જશે અને અન્ય વિપક્ષનું બળ વધશે.

રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી સત્તા પરિવર્તનની પરંપરા આ વખતે પણ જળવાઈ રહી છે. અશોક ગેહલોતના શાસન સામે જનતામાં અસંતોષ નહીં હોવાના રાજકીય પંડિતોના દાવા કદાચ સાચા હોઈ શકે છે. પરંતુ ગેહલતો અને સચિન પાયલટ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ચાલતો ગજગ્રાહ કોંગ્રેસને નડી ગયો હોવાનું સ્પષ્ટ જણાય છે.

LEAVE A REPLY

fourteen + six =