(ANI Photo)

અમદાવાદમાં 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ ખાતેની સ્પેશ્યલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફરમાવી હતી. સ્પેશ્યલ અદાલતે ગયા સપ્તાહે શુક્રવારે (18 ફેબ્રુઆરી) આ કેસના 49 દોષિતોને સજા ફરમાવી હતી. આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લેતાં કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે અગાઉ 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. 2008માં અમદાવાદના અનેક વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા અને તેમાં 56 લોકોના મોત થયા હતા.

કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ કર્યો હતો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો હતો. આ દંડની રકમમાંથી દરેક મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયાનું વળતર, દરેક ઇજાગ્રસ્તને 50 હજાર વળતર તથા અન્ય સામાન્ય ઈજાગ્રસ્તોને દરેકને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા, જેમાં 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા તથા 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના પછી આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો અને ગયા અઠવાડિયે વિશેષ અદાલતે 49 લોકોને દોષિત તથા અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
ગત ૨૯ જુલાઇ, ૨૦૦૮ને શનિવારના એ ગોઝારા દિવસે અમદાવાદ શહેરમાં એક પછી એક શ્રેણીબદ્ઘ બોમ્બ ધડાકા થયા અને કેટલાય નિર્દોષોના લોહીથી શહેરની ભૂમિ રક્તરંજિત બની હતી. ત્રાસવાદીઓનું આ કૃત્ય કોઇ પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવું હતું. કોર્ટે આ દોષિતોને કલમ ૩૦૨, રાજદ્રોહ અને યુપીએપીએ (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા કરી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે ૩૮ને ફાંસીની સજા ફરમાવાઈ છે. આ પહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં ૨૬ને ફાંસીની સજા કરાઈ હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્ય પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલોમાં કેદ છે. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઇ હતી અને ૧૮ ફેબ્રુઆરીએ સજા જાહેર કરાઈ હતી.

આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૭૭માંથી ૫૧ દોષિતો સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતાં. જેલમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. કુલ દોષિતોમાંથી ૩૨ હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ તેમના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. જો કે સ્પેશિયલ કોર્ટે બચાવ પક્ષની એકપણ દલીલ ગ્રાહ્ય રાખી નહોતી અને બ્લાસ્ટને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી ત્રાસવાદીઓ પર કોઇ રહેમ રાખ્યો નહોતો. કોર્ટે સજા ફરમાવતી વખતે કહ્યું હતું કે ભારતનું આ સૌથી મોટું ત્રાસવાદી કાવતરૂ હતું અ તેથી દોષિતોને કડકથી કડક સજા કરાશે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં ૭૮ આરોપીઓ હતાં. તેમાંથી એક આરોપી સરકારી સાક્ષી બન્યો હતો. જેના કારણે કુલ ૭૭ને આરોપી ગણાવાયા હતાં. ૧૩ વર્ષના લાંબા ટ્રાયલ દરમિયાન ૧૧૬૩ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. પોલીસ અને કાનૂની એજન્સીઓએ ૬ હજારથી વધુ પુરાવા રજૂ કર્યા હતાં. ૬૭૫૨ પાનાના ચુકાદામાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે ૪૯ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં જ્યારે પુરાવાના અભાવે ૨૮ને નિર્દોષ જાહેર કર્યા હતાં.

આ કેસની તપાસ કરીને માત્ર 19 દિવસમાં ગુનેગારોની ધરપકડ કરવામાં જેમની ચાવીરૂપ ભૂમિકા હતી તે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન વડા અને હાલ રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાએ આ ચુકાદાને લેન્ડમાર્ક ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ આ ચુકાદાથી સંતુષ્ઠ છે. જે લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાકની સામે સામે અલગ-અલગ રાજ્યોમાં કેસ છે. હવે એ લોકોની સામે કઈ રીતે કાનૂની કાર્યવાહી કરવી તે અંગે સિનિયર વકીલોની ટીમ સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લઈશું. ડીજીપી ભાટીયાએ જણાવ્યું કે, 28માંથી 22 આરોપી એવા છે કે જે આ કેસમાં નિર્દોષ છૂટ્યા છે પરંતુ અન્ય રાજ્યોમાં તેમની સામેના કેસમાં ઘણાંને ત્યાં સજા પણ થઈ છે.