ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન ૩૦થી વધુ લોકો અકસ્માતે કૂવામાં પડી ગયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા . (ANI Photo)

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન ૩૦થી વધુ લોકો અકસ્માતે કૂવામાં પડી ગયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા અને અનેક લોકોને ઇજા પહોંચી હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર લગ્નમાં આવેલી મહિલાઓ અને બાળકો જૂના કૂવા પર બેઠા હતા. તે સ્લેબથી ઢંકાયેલું હતું. ભારે વજનના કારણે સ્લેબ નીચે પડી ગયો હતો અને તેની ઉપર બેઠેલા લોકો પણ કૂવામાં પડી ગયા હતા. ઘટના બાદ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં 13 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે આ અકસ્માતમાં લગભગ 10 અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મૃતકના પરિજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે “ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું ઈચ્છું છું કે સ્થાનિક વહીવટીતંત્ર શક્ય તમામ મદદમાં રોકાયેલું રહે.”

હોસ્પિટલમાંથી બહાર આવેલા દૃશ્યોમાં, સંબંધીઓ લગ્નના કપડાંમાં અને તેમના પ્રિયજનોને ગુમાવવાનો શોક કરતા જોવા મળે છે. જિલ્લા ડીએમ એસ રાજલિંગમે મીડિયાને જણાવ્યું, “અમને માહિતી મળી છે કે અકસ્માતે કૂવામાં પડી જતાં 11 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ એક લગ્ન સમારંભ દરમિયાન થયું હતું જ્યાં કેટલાક લોકો કૂવા પર બેઠા હતા અને તેમના વજનને કારણે સ્લેબ તૂટી પડ્યો હતો.”