ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે રાજ્ય સરકારે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવામાં આવશે.

સરકારે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા ક્યારે લેવી તેનો નિર્ણય 15 મેના રોજ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે. જોકે, પરીક્ષાની નવી તારીખ જાહેર કરતી વખતે 15 દિવસનો સમય પણ અપાશે, જેથી વિદ્યાર્થીઓ તેની યોગ્ય રીતે તૈયારી કરી શકે. સરકારે ગયા મહિને જ રાજ્યભરમાં તમામ સ્કૂલો પણ કરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી બંધ કરી દીધી હતી. આ નિર્ણયનો અમલ પણ 1 મે સુધી લંબાવાયો છે.

બુધવારે સીબીએસઈએ ધોરણ 10 અને 12ની પરીક્ષા અંગે મોટો નિર્ણય કરાયો હતો. જેમાં ધોરણ 10ની પરીક્ષા યોજ્યા વિના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, ધોરણ 12ની પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય જૂન મહિનામાં લેવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ઘણા સમય પહેલા જ લેવાઈ ચૂક્યો છે.