Istockphoto

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પહેલી ડિસેમ્બરની રાત્રે ભારે પવન અને તોફાનની વાતાવરણને કારણે દરિયામાં હોડી ઉંધી વળતા ઓછામાં ઓછા આઠ માચ્છીમારો ગુમ થયા હતા. દરિયાકાંઠે લાંગરવામાં આવેલી હોડીઓ ભારે પવનને કારણે ઉંધી વળી ગઈ હતી. ગુમ થયેલા માચ્છીમારોને શોધવા માટે ગુરુવારની સવારે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ સાથે બચાવ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું, એમ ઉના તાલુકાના મામલતદાર આર આર ખંભાતાએ જણાવ્યું હતું.

સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો તે તોફાની વાતાવરણને કારણે 10 હોડીઓ સંપૂર્ણ નાશ પામી હતી અને બીજી 40ને નુકસાન થયું હતું. ભારે પવનો અને દરિયાના ઊંચા મોજાને કારણે નવાબંદર ગામમાં મધરાત્રે દરિયો તોફાની બન્યો હતો. શરૂઆતમાં 12 માચ્છીમારો ગુમ થયા હતા, પરંતુ ચાર માચ્છીમારો દરિયામાંથી બહાર આવવામાં સફળ થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર દરિયાકાંઠે લાંગરવામાં આવેલી હોડીઓમાં માચ્છીમારો રાત્રે સુતા હતા ત્યારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ભારે પવનો અને ઊંચા મોજાને કારણે હોળીઓ ઉંધી વળી ગઈ હતી.

સોમનાથના કલેક્ટર રાજદીપસિંહ ગોહિલે સ્થાનિક મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે રાત્રે 12થી 1 વાગ્યા દરમિયાન બની હતી. જેમાં દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા હોવાથી માછીમારોની બોટ એક બીજી બોટ સાથે અથડાતા નુકસાન થયું હતું. જેમાં 4 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 8 લોકો ગુમ છે જેમની શોધખોળ માટે કોસ્ટગાર્ડને પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં માવઠાના કારણે વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો છે. લો ડિપ્રેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના હવામાન પર પડી રહી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશરની અસરને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયા ના ખેડવાની સૂચના આપવામાં આવી હતી.