યુકેના સાંસદ બોબ બ્લેકમેને 16 જાન્યુઆરીના રોજ સંસદમાં બાંગ્લાદેશ અને ત્યાં થઇ રહેલી હિન્દુઓની હત્યાનો મુદ્દો ઉઠાવીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. બ્લેકમેને સંસદમાં સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવા અને ત્યાં ન્યાયી ચૂંટણી યોજાય તે માટે પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મેં બાંગ્લાદેશની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક નેતાએ યોગ્ય રીતે ફોરેન સેક્રેટરીને ત્યાંની દર્દનાક પરિસ્થિતિ વિશે લખ્યું છે. જાહેર માર્ગો પર હિન્દુ પુરુષોની હત્યા થઈ રહી છે, તેમના ઘર અને મંદિરો સળગાવવામાં આવી રહ્યા છે. અન્ય ધાર્મિક લઘુમતીઓ પણ આવી જ સ્થિતિમાં છે.’ બ્લેકમેને ચિંતા વ્યક્ત કરી હતી કે, દેશના એક મુખ્ય રાજકીય પક્ષ- અવામી લીગ, પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ઓપિનિયન પોલમાં 30 ટકા સમર્થન ધરાવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ત્યાં આવતા મહિને કથિત સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણીઓ યોજાશે. ઇસ્લામિક કટ્ટરવાદીઓએ બાંગ્લાદેશના બંધારણને હંમેશા માટે બદલે તેવા જનમતની માગણી કરી છે. તો શું આપણને આવતા અઠવાડિયે ફોરેન સેક્રેટરી પાસેથી એવું નિવેદન સાંભળવા મળશે કે, સરકાર ત્યાં સ્વતંત્ર, ન્યાયી અને સર્વસમાવેશક ચૂંટણીઓ થાય તે માટે અને લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં લઇ રહી છે.’










