ઓસ્ટ્રેલિયામાં છ દિવસથી ગુમ ગુજરાતના એક 29 વર્ષીય યુવાન સિડનીમાં તેના નિવાસસ્થાન નજીક નદી કિનારે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ જયદીપસિંહ ડોડિયા તરીકે થઈ હતી અને તે મૂળ હળવદના મેરૂપાર ગામના વતની હતાં. સાત વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલ જયદીપ સિંહે ત્યાં નોકરી માટે સ્થાયી થયો હતો.
જયદીપસિંહને છેલ્લે ૧ જૂન, ૨૦૨૫એ સવારે ૧૧:૦૦ વાગ્યે ઇમુ પ્લેઇન્સ વિસ્તારમાં જોવામાં આવ્યાં હતાં. તેમની પત્નીએ ૨ જૂને ગુમ થવાની જાણ કરી હતી. અધિકારીઓએ શોધખોળ ચાલુ કર્યા પછી ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસે સલામતી માટે ગંભીર ચિંતા વ્યક્ત કરીને માહિતી માટે જાહેર અપીલ જારી કરી હતી.
૬ જૂનને જયદીપસિંહનો મૃતદેહ તેમના ઘરની નજીક નદી કિનારે મળી આવ્યો હતો. તેમની પત્નીને લાશ ઓળખવા માટે બોલાવવામાં આવી હતી. મૃતદેહનું ૧૦ જૂને પોસ્ટમોર્ટમ કરાશે. જયદીપસિંહના લગ્ન લગભગ એક વર્ષ પહેલા થયા હતા, અને તેમની પત્ની તેમના લગ્નના ત્રણ મહિના પછી ઓસ્ટ્રેલિયા આવી ગઈ હતી.
