(ANI Photo)

બોલીવૂડના જાણીતા ફિલ્મકાર કરણ જોહરે અત્યાર સુધી તેના ‘કોફી વીથ કરણ’ શોની વિવિધ સીઝન રજૂ કરી છે. હવે તેણે એક નવા શોની જાહેરાત કરી છે, ‘ધ ટ્રેઇટર્સ’. આ શોના નિર્માતાઓ દ્વારા તેનો અધિકૃત પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેનું ટ્રેઇલર ઘણું રસપ્રદ છે, જેમાં શો નવા પ્રકારનો હોવાનું જણાય છે.

તેમાં વિવિધ ક્ષેત્રના સેલેબ્રિટીઝ ભાગ લઇ રહ્યા છે. 20 કન્ટેસ્ટન્ટ સાથેનો આ શોનો પ્રીમિયર 12 જુનના રોજ પ્રાઇમ વિડીયો પર યોજાયો હતો અને દર ગુરુવારે રાત્રે આઠ કલાકે તેનો એપિસોડ દર્શાવવામાં આવશે. આ 20 સેલેબ્રિટીમાં કરણ કુંદ્રા, અંશુલા કપૂર, આશિષ વિદ્યાર્થી, એલનાઝ નોરોઝી, હર્ષ ગુજરાલ, જન્નત ઝુબેર, જાનવી ગૌર, અપૂર્વા મખીજા ઉર્ફે ધ રેબેલ કિડ, જાસ્મિન ભસીન, લક્ષ્મી માંચુ, મહીપ કપૂર, મુકેશ છાબરા, નિકિતા લુથરા, પર્વ જ્હા, રફ્તાર, ઉર્ફી જાવેદ, રાજ કુંદ્રા, સાહિલ સલાથિયા, સુદ્ધાંશુ પાંડે અને સુફી મોતીવાલા જોવા મળશે.

આ શોમાં બિગબોસ, ફિઅર ફેક્ટર જેવા શોનું મિશ્રણ જોવા મળશે. આમાં પણ લોકો ફેશન અને સ્ટાઇલ સાથે સ્ટંટ અને રાજકારણ સાથે ડ્રામા, ઇમોશન અને એગ્રેશન પણ જોવા મળશે.

જેસલમેરના સુર્યગઢ હોટેલમાં આ શોનું શૂટિંગ થયું છે. તેમાં સજ્જન અને દુર્જન લોકોની બે ટીમ બનાવવામાં આવશે, દરેક કન્ટેસ્ટન્ટ બીજાને શોમાંથી બહાર કરવા માટે રમશે. તેમાં એક સારા લોકોની ટીમ હશે અને બીજી માફિયાની ટીમ હશે. ટીવી પર જોવા મળતો સાસ-બહુ જેવો કકળાટ આ શોમાં સતત જોવા મળશે.

ફિલ્મી દુનિયામાં એકબીજાને પછાડવા માટે ચાલતા કાવા-દાવાઓની ઝલક પણ આ શોમાં દેખાશે. કરણ જોહરને પોતાને ઈમોશનલ ડ્રામા વધારે પસંદ છે અને તેની અસર કરણની ફિલ્મોમાં પણ જોવા મળે છે. આ શોની અન્ય એક ખાસિયત એ છે કે, તેમાં જાણીતા એક્ટર્સ અને પેજ-4 સેલિબ્રિટીઝની સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો પણ સમાવેશ કરાયો છે. ઈન્ફ્લુએન્સર્સ પ્રત્યે ફિલ્મ સ્ટાર્સનો અણગમો જગજાહેર છે ત્યારે કરણ જોહરે તેમને પ્લેટફોર્મ આપ્યું છે.

LEAVE A REPLY