પ્રતિક તસવીર - Ben Stansall/Pool via REUTERS

વડા પ્રધાન બોરિસ જૉન્સને અવિશ્વાસના મતમાં સાંકડા માર્જિન સાથે વિજય મેળવ્યા બાદ મંગળવારે તા. 7ના રોજ તેમની પ્રથમ કેબિનેટ બેઠકનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે પોતાની ટોચની ટીમનો આભાર માનીને મીટિંગની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે “આપણા વિરોધીઓ જેના વિશે વાત કરવા માંગે છે તે મુદ્દાઓ અંગે એક રેખા દોરવા સક્ષમ થયા છીએ અને મને લાગે છે કે આ દેશના લોકો ઇચ્છે છે કે આપણે તેમની મદદ કરવા માટે શું કરી રહ્યા છીએ તે વિશે અને દેશને આગળ લઈ જવા માટે વાત કરીએ. આપણે જે કરવા જઈ રહ્યા છીએ તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણે 2019ની સામાન્ય ચૂંટણીમાં આપેલા વિશાળ એજન્ડા સાથે આગળ વધવા જઈ રહ્યા છીએ.”

જોન્સને મંગળવારે ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પરિવારોને સહાય માટે £37 બિલિયન પાઉન્ડનું વચન આપ્યું છે. 13,500 વધુ પોલીસ અધિકારીઓની ભરતી કરીને અમારા સમુદાયોને વધુ સુરક્ષિત બનાવ્યા છે, અને NHSમાં લગભગ 100 કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ ખોલીને કોવિડ બેકલોગનો સામનો કર્યો છે, જેથી લોકો ઘરની નજીકની સંભાળ મેળવી શકે. આજે, હું આ પ્રાથમિકતાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કરું છું. અમે સખત મહેનત કરતા બ્રિટિશ લોકોની પડખે છીએ.”

ડાઉનિંગ સ્ટ્રીટે સંદેશ આપ્યો હતો કે જૉન્સન સરકાર દેશના પરિવારો પરના નાણાકીય દબાણને હળવું કરવા, નેશનલ હેલ્થ સર્વિસની સંભાળને ઝડપી અને સરળ બનાવવા અને શેરીઓને વધુ સુરક્ષિત બનાવવાની સરકારની પ્રાથમિકતાઓ પર આગળ વધશે.

લેબરના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે કહ્યું હતું કે ‘’જૉન્સન હવે ઉછીના સમય પર છે. પરંતુ લોકો ક્યારેય ભૂલતા નથી. બ્રિટિશ જનતા જૂઠ, ઠગાઇ અને કાયદો તોડનારા લોકોને પસંદ કરતી નથી. મને લાગે છે કે જો તેઓ આ મતના આધારે બીજી સામાન્ય ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરશે તો તેમને સંપૂર્ણપણે નુકસાન થશે.”

કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ નેતા વિલિયમ હેગે ‘ધ ટાઇમ્સ’માં લખ્યું છે કે “જૉન્સન માટે, આવા બળવા પછી પક્ષનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવું બિનટકાઉ સાબિત થશે. કોઈ નેતા આવો મત જીતે છે ત્યારે તેઓ ટેકનીકલી બચી જાય છે પરંતુ તેઓ બીજા દિવસે લડવા માટે જીવે છે. પણ જીત એ જીત છે.’’

પક્ષના નેતાને ચૂંટવા માટે જવાબદાર બેકબેન્ચ ટોરી સાંસદોની 1922ની શક્તિશાળી સમિતિ નિયમમાં ફેરફાર અંગે વિચારણા કરી રહી હોવાનું માનવામાં આવે છે.