Prime Minister Boris Johnson poses with his wife Carrie Johnson (Photo by Rebecca Fulton / Downing Street via Getty Images)

દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સને તા. 21ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યુએસ ટીવી એનબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના જીવન અંગે મુક્તમને પહેલી વખત સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે ‘’પોતે છ બાળકોના પિતા છે. તેમાં ઘણું કામ રહે છે પણ મને તે ગમે છે … મેં ઘણી નેપી બદલી છે.’’ તેઓ ઘણીવાર રંગીન ખાનગી જીવનની ચર્ચા કરવા માટે કુખ્યાત છે.

પ્રધાનમંત્રી હાલની ત્રીજી પત્ની કેરી જોન્સન થકી એક પુત્ર વિલ્ફ્રેડ ધરાવે છે અને બીજી પત્ની મરિના વ્હીલર થકી ચાર સંતાનો ધરાવે છે. જ્યારે 2009માં એક અફેરથી તેમને એક પુત્રી પણ છે. પરંતુ મનાય કે અગાઉ ક્યારેય તેમના અંગત સંતાનો વિષે જાહેર કરવા તેઓ સંમત થયા નથી.

ટુડે મોર્નિંગ શોમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘’શું તમે છ સંતાનોના પિતા છો?’’ જેનો જવાબ તેમણે ‘હા’ કહીને આપ્યો હતો. સત્તામાં છો ત્યારે નાના બાળકના પિતા બનવા અંગે કેવી અનુભૂતિ ધરાવો છો ? ત્યારે તેમણે ઉમેર્યું હતું કે ‘’તે અદભૂત છે. તેમાં ઘણું કામ છે, હું તમને એટલું જ કહીશ. પણ હું તેને પ્રેમ કરું છું, હું તેને સંપૂર્ણપણે પ્રેમ કરું છું. હું ઘણી બધી નેપીઝ બદલી નાખું છું.’’

શ્રી જોન્સને ત્રણ વખત લગ્ન કર્યા છે, જેમાં અગાઉની પત્નીઓને ભાવિ પત્ની સાથે અફેર થયા પછી છૂટાછેડા આપ્યા છે.  તેમણે 1987માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રેમિકા એલેગ્રા મોસ્ટિન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમણે મરીના વ્હીલર સાથે અફેર શરૂ કર્યા બાદ 1993માં એલેગ્રાને છૂટાછેડા આપ્યા હતા. 2004માં, લેબર ગ્રાન્ડી લોર્ડ વ્યાટની પુત્રી પત્રકાર અને સોસાયટીના લેખક પેટ્રોનેલા વ્યાટ સાથે તેમનું ચાર વર્ષ લાંબુ અફેર જાહેર થયું હતું. બાદમાં તેણીએ કેવી રીતે ગર્ભપાત કરાવ્યો અને કસુવાવડ થઇ હતી તેની જાહેરાત કરી હતી.

સંબંધો વિશે ખોટું બોલ્યા હોવાથી શ્રી જૉન્સનને તે સમયના ટોરી નેતા માઈકલ હોવર્ડ દ્વારા શેડો આર્ટ્સ મિનિસ્ટર તરીકે બરતરફ કરવામાં આવ્યા હતા. તે પછીના વર્ષે આર્ટ કન્સલ્ટન્ટ હેલેન મેસિન્ટાયરે તેમના એક બાળકને જન્મ આપ્યો હતો. ફરીથી તેમણે તત્કાલીન પત્ની સાથે સમાધાન કર્યું હતું. કેરી સાથેના તેના સંબંધો પ્રકાશમાં આવ્યા પછી તેમણે આખરે 2019 વર્ષમાં મરિના સાથે છૂટાછેડા લેવાની યોજના જાહેર કરી હતી. મરિનાના માતા ભારતીય મૂળના પંજાબી મહિલા હતા.