ભારતની બે દિવસની મુલાકાતે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદમાં શાંતિગ્રામ ખાતે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. . (PTI Photo)TWITTER IMAGE POSTED BY @gautam_adani ON THURSDAY, APRIL 21, 2022

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદની  શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. ગૌતમ અદાણીએ આ મુલાકાત અંગે ટ્વીટ કરીને લખ્યું હતું કે “અદાણી હેડક્વાર્ટર ખાતે ગુજરાતની મુલાકાત લેનારા યુકેના પ્રથમ વડાપ્રધાન બોરિસ જોન્સનને આવકારવાનું સન્માન મળ્યું. રિન્યુએબલ, ગ્રીન એચટુ અને ન્યૂ એનર્જી પર ફોકસ સાથે ક્લાઇમેટ એન્ડ સસ્ટેનેબિલિટી એજન્ડાને સપોર્ટ માટે ઘણી ખુશી થઈ છે. સંરક્ષણ અને એરોસ્પેસ ટેકનોલોજીના સહ-સર્જન માટે યુકેની કંપનીઓ સાથે સહયોગ કરીશું. #આત્મનિર્ભર ભારત.”

અદાણી લંડનમાં ઐતિહાસિક સાયન્સ મ્યુઝિમ ખાતે ક્લાઇમેટ ચેન્જના જોખમને હાઇલાઇટ કરતી નવી ગેલેરી માટે ફંડિંગ કરી રહ્યાં છે. અદાણીએ ગયા ઓક્ટોબરમાં જોન્સન સાથે મુલાકાત કરી ત્યારે એનર્જી રિવોલ્યુશનઃ અદાણી ગ્રૂપ એનર્જી ગેલેરીની જાહેરાત કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિટનના વડાપ્રધાન અને ગૌતમ અદાણીએ એનર્જી ટ્રાન્ઝિશન, ક્લાઈમેટ એક્શન, એરોસ્પેસ અને ડિફેન્સ સહયોગ જેવા મહત્ત્વના મુદ્દા પર વાતચીત કરી હતી. ભારત પોતાના સૈન્યને આધુનિક બનાવવા માટે 2030 સુધીમાં 300 અબજ ડોલરનું રોકાણ કરવાનું છે ત્યારે અદાણી અને જોન્સન વચ્ચેની બેઠકમાં ડિફેન્સ સેક્ટર પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું.

અદાણી જૂથ અને બ્રિટિશ કંપનીઓ આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ કઈ રીતે એરોસ્પેસ અને ડિફેન્સ ટેક્નોલોજીને વિકસાવી શકે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. અદાણીએ Chevening સ્કોલરશિપ દ્વારા પ્રતિભાશાળી ભારતીય યુવાનોને સન્માનિત કરવાના કાર્યક્રમની જાહેરાત પણ કરી હતી. Chevening સ્કોલરશિપ એ યુકે સરકાર દ્વારા આપવામાં આવતી સૌથી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ છે.

અદાણીએ બ્રિટનના વડાપ્રધાનને ઇન્ડિયા-યુકે ક્લાઈમેટ સાયન્સ અને ટેક્નોલોજી મંત્રણામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. આ બેઠક 28 જૂને લંડન ખાતે યોજાશે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ગયા વર્ષે લંડનમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ વખતે યુકેના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તેમણે ક્લિન એનર્જી તરફ આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુરુવારે આ બેઠક પછી જોન્સન વડોદરા નજીક હાલોલ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની મુલાકાતે જવા રવાના થયા હતા. ત્યાં તેઓ બ્રિટિશ ઇક્વિપમેન્ટ ઉત્પાદક જેસીબીની ફેક્ટરીની મુલાકાત લેશે.