વડાપ્રધાન બોરિસ જ્હોન્સને યુરોપિયન યુનિયન (EU)માંથી બહાર થવાના સમજૂતી કરાર પર અંતિમ હસ્તાક્ષર કર્યા છે. જ્હોન્સને આ અંગે જણાવ્યું છે કે, આ એક રોમાંચક સમય છે. વર્ષ 2016માં લોકોએ આપેલા ચૂકાદાનો અંતે અમલ થશે. આશા છે કે યુકે અને ઇયુ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદ અને ભેદભાવ ઓછો થશે. બ્રિટને યુનિયનમાંથી બહાર નિકળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
હવે 29 જાન્યુઆરીએ લંડનમાં પાર્લામેન્ટ હાઉસમાં યુનિયનમાંથી છૂટા થવા માટે ચર્ચા અને મતદાન થશે. યુરોપની પાર્લામેન્ટમાં પણ આ જ દિવસે યુકેને બહાર કરવા માટે મતદાન થશે, જોકે તે માત્ર એક ઔપચારિક્તા જ હશે. યુરોપના મોટાભાગના નેતા યુકેને યુનિયનમાંથી બહાર કરવાના મુદ્દે ટેકો આપી ચૂક્યા છે.
31 જાન્યુઆરી પછી બ્રિટન માટે 11 મહિનાનો ટ્રાન્ઝિકશન પીરિયડ રહેશે. આ દરમિયાન બ્રિટન યુનિયનનું સભ્ય નહીં રહે, પરંતુ તેના નિયમોનું પાલન કરશે અને બજેટમાં યોગદાન આપશે. આ ટ્રાન્ઝિક્શન સમય દરમિયાન યુકે અને યુનિયનની વેપાર સમજૂતી સહિત ભવિષ્યમાં સંબંધો વિશે વાત કરી શકશે. ટ્રાન્ઝિક્શન પીરિયડ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે.
બ્રસેલ્સમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર પછી યુનિયને બ્રેક્ઝિટના દસ્તાવેજો ટ્રેન દ્વારા લંડન મોકલાવ્યા છે. આ ટ્રેન 24 જાન્યુઆરીએ જ લંડન પહોંચી છે, જ્યાંથી કરારના દસ્તાવેજ વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ દરમિયાન બેલ્જિયમના પૂર્વ વડાપ્રધાન અને ઈયુ સમિટની ચેરમેન ચાર્લ્સ મિશેલે કહ્યું છે કે, યુકેના બહાર થવાથી અમારા સંબંધો બદલાશે, પરંતુ અમારી મિત્રતા કાયમી જળવાશે. અમે ટૂંક સમયમાં જ નવા સહયોગી અને મિત્ર રાષ્ટ્રની જેમ સાથે કામ કરીશું. યુકેએ જૂન 2016માં યુરોપિયન યુનિયનથી જુદા થવાનો નિર્ણય લીધો હતો. ઐતિહાસિક રેફરેન્ડમમાં યુકેના લોકોએ 28 દેશોના યુરોપિયન યુનિયનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી યુનિયને યુકેને જુદા થવા 31 માર્ચ, 2018 સુધીનો સમય આપ્યો હતો. જોકે યુકેની સંસદે યુરોપમાંથી બહાર થવાની સરકારની શરતો ફગાવી હતી. પછી યુનિયને બ્રેક્ઝિટની તારીખ 31 ઓક્ટોબર, 2019 સુધી વધારી હતી. જોકે ત્યારે પણ પાર્લામેન્ટે સરકારની શરતોને નામંજૂર કરી હતી અને અંતે બ્રેક્ઝિટની તારીખ 31 જાન્યુઆરી, 2020 કરી હતી.