બિઝનેસ માટે લાંચના જોખમ ધરાવતા દેશોની વૈશ્વિક યાદીમાં ભારત 2021માં 82માં સ્થાને રહ્યું છે. આમ ગયા વર્ષના 77ના ક્રમથી ભારત પાંચ સ્થાન ગબડ્યું છે. 2020માં ભારત 45ના સ્કોર સાથે 77માં સ્થાને હતો, આ રેન્કિંગમાં ભારત તેના પડોશી દેશો પાકિસ્તાન, ચીન, નેપાળ અને બાંગ્લાદેશ કરતાં વધુ સારી સ્થિતિમાં છે.

એન્ટી બ્રાઇબરી સ્ટાન્ડર્ડ સેટિંગ ઓર્ગેનાઇઝેશન ટ્રેસે 194 દેશોને આવરી લઇને આ વૈશ્વિક યાદી જાહેર કરી છે. આ વર્ષના રેન્કિંગ મુજબ નોર્થ કોરિયા, તુર્કમેનિસ્તાન, વેનેઝુએલા અને ઇરિટ્રીયામાં બિઝનેસ માટે લાંચ માગવામાં આવે તેવું સૌથી વધુ જોખમ છે, જ્યારે ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, સ્વિડન અને ન્યૂઝીલેન્ડમાં લાંચનું સૌથી ઓછું જોખમ છે.
2020માં ભારત 45ના સ્કોર સાથે 77માં સ્થાને હતો, આ વર્ષે દેશ 44ના સ્કોર સાથે 82માં સ્થાને આવ્યો છે.

આ યાદીમાં મુખ્ય ચાર પરિબળોને આધારે સ્કોર નક્કી કરવામાં આવે છે, જેમાં સરકાર સાથે બિઝનેસના વિચારવિમર્શ, લાંચ વિરોધી તંત્ર અને અમલીકરણ, સરકાર અને નાગરિક સેવાની પારદર્શકતા અને મીડિયા સહિત સમાજની દેખરેખ રાખવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

આ રેન્કિંગમાં ભારત તેના પડોશી દેશો પાકિસ્તાન, ચીન, નેપાળ અને બાંગ્લાદેશ કરતાં વધુ સારી સ્થિતિમાં છે. લાંચનું જોખમ ધરાવતા દેશોની યાદીમાં ભુતાન 62માં ક્રમે છે. ટ્રેસના 2021ના બ્રાઇમરી રિસ્ક મેટ્રિક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકતાંત્રિક વ્યવસ્થાનું પતન થયું છે તેવા દેશોમાં છેલ્લાં 10 વર્ષમાં બિઝનેસ માટે લાંચના જોખમમાં મોટો વધારો થયો છે. આવા દેશોમાં ઇજિપ્ત, વેનેઝુએલા, તુર્કી, પોલેન્ડ અને હંગેરીનો સમાવેશ થાય છે.

નિવેદનમાં જણાવાયું છે કે “છેલ્લાં પાંચ વર્ષમાં અમેરિકામાં બિઝનેસ માટેનું લાંચનું વાતાવરણ વૈશ્વિક ટ્રેન્ડની સરખામણીમાં નોંધપાત્ર પ્રમાણમાં કથળ્યું છે. 2020થી 2021 સુધીમાં ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના દેશોમાં કોમર્શિયલ લાંચના જોખમમાં વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આવા જોખમના પરિબળોમાં સૌથી વધુ સુધારો કરનારા દેશોમાં ઉઝબેકિસ્તાન, ગામ્બિયા, આર્મેનિયા, મલેશિયા અને અંગોલાનો સમાવેશ થાય છે.”
ટ્રેસ બ્રાઇબરી રિસ્ક મેટ્રિક્સમાં વિશ્વના 194 દેશોમાં લાંચ માગવાની શક્યતાનો તાગ મેળવવામાં આવે છે. 2014થી તે વિવિધ દેશોને આવરી લઇને આ યાદી બહાર પાડે છે. વિશ્વભરમાં બિઝનેસ માટે લાંચના જોખમ અંગેની વધુ વિશ્વસનીય અને વિગતવાર માહિતી માટે બિઝનેસ સમુદાય આ રેન્કિંગનો ઉપયોગ કરે છે.