(Photo by BEN STANSALL/AFP via Getty Images)

બ્રિસ્ટોલના એવૉનમથમાં આવેલા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ વેસેક્સ વોટર સાઇટમાં તા. 3ને ગુરૂવારે સવારે થયેલા વિસ્ફોટ પછી ત્રણ કર્મચારીઓ અને એક કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે જેની ઇજાઓ જીવલેણ નથી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેને એક માઇલ સુધી સાંભળી શકાયો હતો.

એવું માનવામાં આવે છે કે પાંચ લોકો બાયોસોલિડ્સ ધરાવતા સાઇલોની ટોચ પર અથવા તેની નજીકમાં કામ કરી રહ્યા હતા ત્યારે તે ગટરમાંથી નીકળેલો નક્કર કચરો સુએઝ ટ્રીટમેન્ટ બાદ ઓર્ગેનીક સોઇલ કન્ડિશનરમાં ફેરવાઈ ગયો ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના પગલે ફાયર બ્રિગેડ, બચાવ ટીમો, ટ્રેકર કૂતરાઓ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

એવૉન અને સમરસેટ પોલીસે ગુરૂવારે તા. 3ના રોજ નજીકમાં રહેતા લોકોને આશ્વાસન આપ્યું હતું કે હવે કોઈ ભય હોવાનું માનવામાં આવતું નથી. પોલીસે આ ઘટના આતંક સંબંધિત છે તેમ માનતા ન હોવાનું અને હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવ (એચએસઈ) સહિતની એજન્સીઓ તપાસમાં સામેલ થશે તેમ જણાવ્યું હતું.

પોલીસે વિસ્ફોટના કારણ અંગે અનુમાન લગાવવાનો ઇનકાર કર્યો હતો પરંતુ એવૉન ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે કહ્યું કે અમે માનીએ છીએ કે સાઇલોમાં ચૂનો પણ હતો, જેનો ઉપયોગ કચરાની સ્ટેબીલાઇઝેશન પ્રોસેસમાં કરવામાં આવે છે.

વેસેક્સ વોટરના ચીફ એક્ઝિક્યુટિવ, કોલિન સ્કેલેટે જણાવ્યું હતું કે, “અમે સંપૂર્ણપણે દુખી છીએ કે   અમારી સાઇટ પર થયેલી દુ:ખદ ઘટનાને કારણે ચાર  લોકોની જાનહાની થઈ છે. અમારી લાગણીઓ  સામેલ લોકોના પરિવારો, મિત્રો અને સહકર્મીઓ સાથે છે. શું થયું અને કેમ થયું તે સમજવા માટે અમે હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવ સાથે કામ કરી રહ્યા છીએ.”

વડા પ્રધાન અને હોમ સેક્રેટરી બંનેએ ચિંતા વ્યક્ત કરી હતી. બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે “એવૉનમથમાં વોટર વર્કસના વિસ્ફોટમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે જાણીને ખૂબ દુ:ખ થયું. અમારા હૃદય પીડિતો અને તેમના પરિવારોની તરફે છે. ઘટનાસ્થળે ઉપસ્થિત ઇમરજન્સી સેવાઓનો આભાર.’’