GCSE Mahnoor Cheema

16 વર્ષીય બ્રિટિશ પાકિસ્તાની વિદ્યાર્થીની મહનૂર ચીમાએ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (GCSE)માં કુલ 34 વિષયોમાં પરિક્ષા પાસ કરીને યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક રેકોર્ડ બનાવ્યો છે. મહનૂરે ગયા વર્ષે 17 વિષયો અને વધારાના 17 વિષયો આ વર્ષે પાસ કર્યા હતા.

બર્કશાયરના સ્લાઉમાં આવેલી લેંગલી ગ્રામર સ્કૂલની વિદ્યાર્થીની મહનૂરે મોટાભાગના વિષયોમાં મુખ્યત્વે ગ્રેડ 9 પ્રાપ્ત કર્યો હતો અને થોડાક વિષયોમાં ગ્રેડ 8 મેળવ્યા હતા. તેણે એસ્ટ્રોનોમી, ફર્ધર્ર મેથ્સ, લેટિન અને ફ્રેન્ચ સહિતના વિષયોમાં ઉંચા ગ્રેડ મેળવ્યા હતા.

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરવાની આકાંક્ષા ધરાવતી મહનૂર પ્રતિષ્ઠિત IQ સોસાયટી મેન્સાની સત્તાવાર સભ્ય છે અને 161નો આઈક્યુ ધરાવે છે. જે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના 160 ગુણ કરતા વધારે છે. વિશ્વના સરેરાશ લોકોનો આઈક્યુ 100 હોય છે.

મહનૂરને સાયન્સ, ઇંગ્લિશ લીટરેચર, સંગીત અને ભાષાઓમાં રસ છે. તે ઇંગ્લિશ, ઉર્દૂ અને પંજાબીમાં નિપુણ છે અને ફ્રેન્ચ અને જર્મન ભાષામાં પણ યોગ્ય પ્રવાહ ધરાવે છે. તે સેલો વગાડવા ઉપરાંત સ્વિમિંગ, ઘોડેસવારી અને ચેસ જેવી પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે.

તેના પિતા ઉસ્માન બેરિસ્ટર છે અને તેની માતા તૈયબાએ અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને તેઓ 2016માં પાકિસ્તાનથી યુકે આવ્યા હતા.

LEAVE A REPLY

12 − 10 =