બ્રિટનમાંથી ગેરકાયદે માઇગ્રન્ટને રવાન્ડામાં મોકલવાની વિવાદાસ્પદ નીતિને કારણે વડાપ્રધાન ઋષિ સુનક સામે તેમની કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી જ વિરોધ થઇ રહ્યો છે. આ નીતિના વિરોધમાં સુનકના એક કેબિનેટ પ્રધાને રાજીનામું આપી દીધું હતું અને બીજા નેતાઓ પણ આ નીતિની જાહેરમાં ટીકા કરી રહ્યાં છે. રવાન્ડામાં દેશનિકાલની નીતિના મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીમાં બે જૂથ પડી ગયા હતા અને સુનક તેમની વચ્ચે ભીંસમાં આવ્યા હતા. હકાલપટ્ટી કરાયેલા ભારતીય મૂળનાં હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન જેવા નેતાઓ આ નીતિનો અમલ કરવા માટે કાનૂનીને અવરોધોને પણ દૂર કરવા અનુરોધ કરે છે. બીજી તરફ અન્ય કેટલાક નેતાઓ માને છે કે બ્રિટને માનવાધિકાર અંગેની પોતાની જવાબદારીઓનો ભંગ કરવો જોઇએ નહીં.

ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મીડિયાને સંબોધતા 43 વર્ષીય સુનકે પોતાનાં વારસાને ઇમિગ્રન્ટ્સના સંતાન તરીકે ગણાવ્યો હતો અને પોતાનું પરિવાર કઈ રીતે ગૌરવશાળી બ્રિટિશ નાગરિક બનતાં પહેલાં કાયદાકીય પ્રક્રીયા દ્વારા બ્રિટનમાં આવ્યા તેનાં પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ માત્ર આપણી સરહદોનું જ ઉલ્લંઘન નથી કરતા, તેઓ આપણાં રાષ્ટ્રીય ચરિત્રનાં કેન્દ્રસમા ન્યાયીપણાને પણ ઓછું આંકે છે. પાર્ટીમાં આ વિખવાદ બુધવારની રાત્રે બહાર આવ્યો હતો. તે સમયે સુનકના સાથીદાર ગણાતા ઇમિગ્રેશન પ્રધાન રોબર્ટ જેનરિકે રાજીનામું આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુનકનું નવું ‘સેફ્ટી ઓફ રવાન્ડા’ બિલ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરે છે. ઇમિગ્રેશન પર સરકારની નીતિની દિશા સાથે આટલા મોટા મતભેદ હોય ત્યારે હું મારા હોદ્દા પર રહી શકું નહીં.
તેમણે નાની-નાની બોટમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને દેશમાં આવતા ગેરકાયદે માઇગ્રન્ટની પ્રવૃત્તિને નુકસાન ગણાવ્યું હતું. જેનરિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાના અત્યંત વિવાદાસ્પદ અર્થઘટન સામે વધુ કડક બનવાની જરૂર છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments