પ્રતિક તસવીર (Photo by Ethan Miller/Getty Images)

બ્રિટીશ રાજ દરમિયાન ભારતથી પરત થયેલા બ્રિટિશ પરિવારો દ્વારા તેમની સાથે લાવવામાં આવેલા આયા અથવા નર્સમેઇડ્સ માટે વપરાતા ઇસ્ટ લંડનના હેકની વિસ્તારમાં આવેલા આયાઝ હાઉસને ઈંગ્લિશ હેરિટેજ ચેરિટી દ્વારા ચલાવવામાં આવતી બ્લુ પ્લેક યોજના અંતર્ગત બ્લુ પ્લેક આપવામાં આવી હતી.

1900થી 1921 દરિમિયાન ભારત અને સાઉથ તેમજ સાઉથ-ઇસ્ટ એશિયાની અન્ય વસાહતોમાંથી ઘણી આયાઓને બ્રિટનમાં નોકરીઓ પર રાખવામાં આવી હતી. હેકનીમાં આવેલા આયાઝ હાઉસે બ્રિટિશ પરિવારો સાથે લંડન પહોંચેલી ઘણી સ્ત્રીઓને સલામતી અને આશ્રય પૂરો પાડ્યો હતો. જો કે જાણવા મળ્યું છે કે કમનસીબે તેમના એમ્પ્લોયરોએ તેમની પરત મુસાફરીના વચનનું સન્માન કર્યું ન હતું અથવા તો વચગાળામાં ટકી રહેવા માટેના સાધનો પૂરા પાડ્યા ન હતા. આ રીતે ત્યજી દેવાયેલી આયાઓને ઘણીવાર લોજીંગ હાઉસીસ અથવા વર્કહાઉસમાં રહેવાની ફરજ પાડવામાં આવતી હતી.

ઇંગ્લિશ હેરિટેજ દ્વારા પ્લેક આપીને તાજેતરમાં સન્માનિત કરાયેલા અન્ય ઘરમાં બ્રિટિશ ભારતીય જાસૂસ નૂર ઇનાયત ખાનનું લંડન ઘર પણ છે.

આ વર્ષે અનાવરણ કરવામાં આવનાર અન્ય ઇંગ્લિશ હેરિટેજ લંડન બ્લુ પ્લેક્સમાં નોર્થ લંડનના કેમડેનમાં ગણિતશાસ્ત્રી ઓલિવર હેવિસાઇડના ઘર અને વેસ્ટ લંડનમાં ડૉ. જોન કોનોલી અને તેમના ભૂતપૂર્વ હેનવેલ એસાયલમનો સમાવેશ થાય છે, જેમણે શહેરમાં માનસિક રીતે અસ્વસ્થ લોકોની સંભાળની પહેલ કરી હતી.