બોરિસ જોન્સન - Dan Kitwood/Pool via REUTERS

સમાજને અનલૉક કરવાનું “સૌથી મોટું પગલું” લેતાં ઇંગ્લેન્ડના લોકોને આવતા સોમવાર તા. 17થી પ્રિયજનોને આલિંગન આપવાની અને 6 લોકો સુધી ઘરમાં આતિથ્ય માણવાની મંજૂરી આપવામાં આવશે એવી વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતેથી જાહેરાત કરી હતી. જો કે તેમણે લોકોને “સાવધાની રાખવા અને સામાન્ય સમજનો ઉપયોગ કરવા” વિનંતી કરી છે.

મહત્તમ છ લોકો અથવા બે ઘરના લોકો ઘરમાં કે અન્ય સ્થળે હળીમળી શકશે અને રાત્રી રોકાણ પણ ફરી શરૂ થશે. સિનેમાઘરો, સંગ્રહાલયો અને બાળકોના રમતના ક્ષેત્ર જેવા નવરાશના સ્થળો ફરી ખોલી શકાશે.

વડા પ્રધાન જોન્સને કહ્યું હતું કે ‘નિયંત્રણો હળવા કરવા માટેના ચાર પરીક્ષણો પૂર્ણ ઉતરતા, રસીના રોલઆઉટને સફળતા મળતાં ગંભીર માંદગી અને મૃત્યુ દર ઘટ્યો છે. મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનો દર ગયા જુલાઇ પછી સૌથી નીચલા સ્તરે ગયો છે. સોમવારે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કોરોનાવાયરસથી કોઇનું મૃત્યુ થયું ન હોવાની ઘોષણા કરાઈ હતી, જ્યારે વેલ્સમાં ચારનાં મોત નોંધાયા છે. યુકેમાં બે તૃતીયાંશ પુખ્ત લોકોએ અને લગભગ 18 મિલિયન લોકોએ રસીનો બીજો ડોઝ લઇ લીધો છે. તેમણે કહ્યું હતું કે ‘’તમામ ડેટા નિયંત્રણો હળવા કરવા ટેકો આપે છે. જે “સામાન્ય સ્થિતિ તરફના માર્ગે નોંધપાત્ર પગલું” છે. આપણે કોવિડ સાથે જવાબદારીપૂર્વક જીવવાનું છે, વિગતવાર સરકારી સૂચનો પર આધાર બંધ કરવાનો અને આપણા પરિવારોને શ્રેષ્ઠ રીતે સુરક્ષિત રાખવા વૈજ્ઞાનિકોની સલાહ માનવાની છે. હું વિનંતી કરું છું કે તમારા પ્રિયજનોની નબળાઈ વિશે વિચારજો.

કામના સ્થળે, દુકાનો, પબ્સ, રેસ્ટોરાં અને અન્ય સેટિંગ્સમાં સામાજિક અંતરનું પાલન કરજો. ઇંગ્લેન્ડમાં માધ્યમિક શાળાના ક્લાસમાં 17 મે પછી ફેસ માસ્ક પહેરવાની આવશ્યકતા રહેશે નહીં.’’

યુકેના ચારેય ચિફ મેડિકલ ઓફિસર્સે કહ્યું હતું કે યુકેનું કોવિડ ચેતવણીનું સ્તર ચારથી ઘટાડીને ત્રીજા સ્તર સુધી લાવવું જોઈએ. તેનો અર્થ એ છે કે કોરોનાવાયરસ સામાન્ય પરિભ્રમણમાં હોવા છતાં, ટ્રાન્સમિશન લાંબા સમય સુધી ઉંચું અથવા ઝડપથી વધતું નથી, તેથી નિયંત્રણો ધીમે ધીમે ઘટાડી શકાય છે.

વેલ્સમાં હાલની યોજનાઓ અંતર્ગત, ઇનડોર આકર્ષણો, સિનેમાઘરો અને થિયેટરો તથા ગ્રાહકોને સેવા આપતા પબ અને રેસ્ટટોરંટ્સ ખુલશે. સ્કોટલેન્ડમાં, ઇનડોર હોસ્પિટાલિટીના સ્થળોએ 22:30 સુધી દારૂ પીરસવાનું શરૂ થાય તેવી સંભાવના છે. સિનેમા, મનોરંજન આર્કેડ્સ અને બિંગો હોલ્સ અને ઇન્ડોર ગ્રુપ એક્સરસાઇઝ ફરીથી શરૂ કરવી જોઈએ તેવો મત છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં 24 મેના રોજ વધુ પ્રતિબંધો હટાવવામાં આવી શકે છે. ઇનડોર આતિથ્ય, બેડ એન્ડ બ્રેકફાસ્ટ ફરી શરૂ કરવા દબાણ છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા પ્રકાશિત નવા ડેટા મુજબ વેક્સીન નહિં લેનાર લોકોની સરખામણીએ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ રસીની પહેલી માત્રા લેવાથી મૃત્યુનું જોખમ 80% ઘટે છે. જ્યારે ફાઈઝર-બાયોનેટિકે રસીના બે ડોઝથી મૃત્યુનું જોખમ 97% ઓછું થયું છે.