Two die in stampede at Asake concert at Brixton Academy

સાઉથ લંડનના બ્રિક્સટન O2 એકેડેમીમાં યોજાયેલા એક ગીગમાં પ્રવેશ કરવાના પ્રયાસ બાદ થયેલી ધક્કામૂક્કીમાં ઘાયલ થયેલી ઇસ્ટ લંડનના ન્યુહામની બે બાળકોની માતા 33 વર્ષીય રેબેકા ઇકુમેલોનું શનિવારે સવારે તથા 23 વર્ષના ગેબી હચિન્સનનું  19 ડિસેમ્બરના રોજ વહેલી સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ધમાચકડીમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા જે પૈકી 21 વર્ષની અન્ય મહિલાની હાલત ગંભીર છે.

મેટ પોલીસે જણાવ્યું હતું કે, આફ્રો-પોપ ગાયક અસાકના કોન્સર્ટમાં ગુરુવારે “મોટી સંખ્યામાં લોકો”એ બળજબરીપૂર્વક અંદર જવાનો પ્રયાસ કર્યા પછી શો બંધ કરાયો હતો. રેબેકા ઇકુમેલો નર્સિંગ ગ્રેજ્યુએટ હતી. અસાકે શ્રીમતી ઇકુમેલોના પરિવાર સાથે વાત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ગેબી હચિન્સન બનાવના દિવસે સાંજે ઇવેન્ટ માટે કોન્ટ્રાક્ટેડ સીક્યુરીટી પ્રોવાઇડર તરીકે કામ કરી રહ્યો હતો.

મેટના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ્સ ગુરુવારે રાત્રે શું બન્યું હતું તે સ્થાપિત કરવા સખત મહેનત કરી રહ્યા છે. અધિકારીઓ CCTV, ફોન ફૂટેજની સમીક્ષા, સાક્ષીઓ સાથે વાત કરી રહ્યા છે અને ફોરેન્સિક તપાસ કરી રહ્યા છે.

O2 એકેડેમીની માલિકી ધરાવતા એકેડેમી મ્યુઝિક ગ્રુપે એક નિવેદનમાં કહ્યું હતું કે “ઓ2 એકેડેમી બ્રિક્સટન અને એકેડેમી મ્યુઝિક ગ્રૂપના બધા લોકો રેબેકા ઇકુમેલોના દુ:ખદ મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છે. અમે રેબેકાના પરિવાર અને મિત્રોને દિલથી સંવેદના પાઠવીએ છીએ.”

લંડનના મેયર સાદિક ખાને પણ એક ટ્વીટ કરી લખ્યું હતું કે ‘’હું આ મૃત્યુથી તૂટી ગયો છું. જે બન્યું તેની તપાસ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાય તે મહત્વપૂર્ણ છે. સિટી હોલ આવું ફરી ન થાય તેની ખાતરી કરવા માટે સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યો છે”.

પોલીસે જણાવ્યું હતું કે આ ગીગમાં 4,000થી વધુ લોકો હાજર હતા. મોટી સંખ્યામાં લોકોએ દબાણપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા પોલીસ બોલાવાઇ હતી. ધક્કામૂક્કીના કારણે કેટલાક અધિકારીઓએ લોકોના જીવન બચાવવા માટે પ્રાથમિક સારવાર અને CPR આપ્યુ હતું.”

LEAVE A REPLY

3 × four =