Getty Images)

બહુજન સમાજ પાર્ટીએ બુધવારે રાજસ્થાન હાઈકોર્ટમાં એક અરજી કરીને તેના છ ધારાસભ્યોના શાસક પક્ષ કોંગ્રેસમાં વિલીનીકરણને પડકારવામાં આવ્યું છે. બસપાના છ ધારાસભ્યો સંદીપ યાદવ, વાજીબ અલી, દીપચંદ ખેરિયા, લાખન મીણા, જોગેન્દ્ર અવાના અને રાજેન્દ્ર ગુધા 2018 વિધાનસભા ચૂંટણીમાં બસપાની ટિકિટ પર વિજયી થયા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર 2019માં તેઓ કોંગ્રેસમાં ભળી ગયા હતા.

બસપાના રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ ભગવાન સિંહ બાબાએ જણાવ્યું કે, ‘હાઈકોર્ટમાં બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલીનીકરણને પડકારતી એક અરજી અમે બુધવારે કરી છે. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષની કચેરી ખાતે પણ અરજી સુપરત કરવામાં આવશે અને આ નિર્ણયને પડકારાશે.’ બાબાએ વધુમાં ઉમેર્યું કે વિધાનસભાના અધ્યક્ષને એક પિટિશન મોકલી આપી છે અને વિલીનીકરણને રદ કરવા અનુરોધ કરાયો છે.

ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે મંગળવારે જણાવ્યું કે આ સંદર્ભે તેમણે સ્પીકરને કરેલી પિટિશનને રદ કરવાના નિર્ણયને પણ તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો છે. બુધવારે આ પિટિશનની સુનાવણી થશે. અગાઉ દિલાવરે રાજ્યસભાના અધ્યક્ષને આ વિલીનીકરણ સામે સ્પીકરને ફરિયાદ કરી હતી પરંતુ 24 જુલાઈના સ્પીકરે તેમની ફરિયાદ ફગાવી દીધી હતી.

ભાજપના ધારાસભ્યે એવી ફરિયાદ કરી હતી કે સ્પીકરે તેમને યોગ્ય રીતે સાંભળ્યા નહતા જેને પગલે સ્પીકરના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. બસપાના છ ધારાસભ્યો કોંગ્રેસમાં ભળવાથી રાજ્યના શાસક પક્ષ કોંગ્રેસને તેનો લાભ થયો હતો અને મુખ્યમંત્રી અશોક ગહેલોત સરકારનું કુલ સંખ્યાબળ વધીને 107 થયું હતું. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે.