ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રથમ કસોટી હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા છે. આ તમામ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી અને હવે તેમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હોવાથી પાટીલ માટે આ વિજયનું ઘણું મહત્ત્વ છે. પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને ફાયદો થયો છે. ભાજપના ચૂંટણી-ચાણક્ય કહેવાતા અમિત શાહ પાસે જીતના પાઠ ભણેલા સી આર પાટીલે પહેલી જ પરીક્ષા પાસ કરી છે. 10 નવેમ્બરે વિધાનસભાની પેટાચૂંટણીની તમામ 8 બેઠક પર ભાજપનો વિજય થયો છે.

2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત માટે અમિત શાહની કોર ટીમમાં સી આર પાટીલ પણ સામેલ હતા. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ શાહના સાથી તરીકે પાટીલની મહત્ત્વની ભૂમિકા રહી હતી. આમ ચૂંટણીમાં જીતના ગણિતમાં અમિત શાહ સાથે તાલીમ લઈને આવેલા પાટીલને ગુજરાત ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પાટીલ પણ 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા, એ સમયે જ વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી આવતાં જ પાટીલ માટે આ ચૂંટણી પ્રીલિમિનરી પરીક્ષા જેવી હતી.

સંગઠનના માળખાને ચૂંટણીમાં લગાડી માઈક્રો મેનેજમેન્ટ સાથે મતદાન માટેની વ્યૂહરચના કરી હતી, જેમાં પેજ પ્રમુખથી માંડીને સાંસદ, ધારાસભ્યો, આગેવાનો અને પ્રમુખ સહિતના કામે લાગી ગયા હતા અને ભાજપને જિતાડવા મહેનત કરી રહ્યા હતા. આમ તો વિધાનસભાની તમામ 8 બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી, પરંતુ આ ધારાસભ્યો ભાજપમાં આવી જતાં ભાજપ માટે બેવડો પડકાર હતો કે કોંગ્રેસના પક્ષપલ્ટુ જિતાડવા અને ભાજપને જેટલી બેઠકો વધુ મળે એટલો ફાયદો લેવાનો હતો.