દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયમર લીગની ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો દિલ્હી કેપિટલ્સ સામે વિજય થયો હતો. આ પ્રસંગે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ તેમની ટીમ સાથે આ ફોટાગ્રાફ આપ્યો હતો. (PTI Photo/Sportzpics for BCCI)

દુબઇમાં મંગળવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020ની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી રેકોર્ડ પાંચમી ચેમ્પિયન બની હતી. આ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં દિલ્હી કેપિટલ્સે જીતવા માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈનું આ રેકોર્ડ પાંચમું ટાઇટલ છે. મુંબઈ આ પહેલા 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ ચેમ્પિયન બની હતી.

મુંબઇ ઈન્ડિયન્સે આઠ બોલમાં બાકી હતા ત્યારે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. રોહિત શર્માએ મુંબઇ તરફથી કપ્તાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર 68 રન બનાવ્યા.

આ સાથે ક્વિન્ટન ડિકોકે 12 બોલમાં 20, સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 19 અને ઇશાન કિશને 19 બોલમાં 33 રન (અણનમ)નું યોગદાન આપ્યું હતું. તો વળી, દિલ્હી તરફથી એનરિચ નોર્ટ્જે બે , જ્યારે કગિસો રબાડા અને માર્કસ સ્ટોઇનિસે એક-એક ખેલાડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

રોહિત શર્માએ ફાઇનલમાં મોટી ઈનિંગ રમી હતી. તેણે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં રોહિતની ત્રીજી અડધી સદી છે. રોહિત શર્મા 51 બોલમાં 4 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 68 રન બનાવી એનરિચ નોર્ત્જેનો શિકાર બન્યો હતો.

દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન શ્રેયસ અય્યરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સુકાની શ્રેયસ અય્યરે સૌથી વધુ 50 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહ બાદ ટ્રેન્ટ બોલ્ટ મુંબઈ માટે સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે ફાઇનલમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. બોલ્ટે પાવરપ્લેમાં બે વિકેટ ઝડપી અને ડેથ ઓવરમાં હેટમાયરને આઉટ કર્યો હતો. તેણે 4 ઓવરમાં 30 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. આ સાથે આઈપીએલ 2020મા બોલ્ટના નામે 25 વિકેટ થઈ ગઈ છે.