David Cameron (Photo by Carl Court/Getty Images)

વડા પ્રધાન ઋષિ સુનકે પોતાની સત્તાને પુનઃસ્થાપિત કરવા માટે એક વિશાળ ફેરબદલની શરૂઆત કરી ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને નવા ફોરેન સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપી છે અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા છે. હાલના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીને હોમ ઑફિસમાં ખસેડવામાં આવ્યા છે.  ડેવિડ કેમેરોનને આ માટે પીઅરેજ આપવામાં આવશે. જો કે, જેરેમી હન્ટ ચાન્સેલર તરીકે ચાલુ રહેશે એમ લાગે છે. બીજી તરફ હેલ્થ સેક્રેટરી નીલ ઓ’બ્રાયન, લાંબા સમયથી સેવા આપતા એજ્યુકેશન સેક્રેટરી નિક ગિબ, ડીપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેરના સેક્રેટરી વિલ ક્વિન્સ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જેસી નોર્મને સરકાર છોડી રહ્યા હોવાની જાહેરાત કરી છે.

થોડા અઠવાડિયા પહેલા જ કેમરને HS2 રેલ પ્રોજેક્ટને ડાઉનગ્રેડ કરવાના સુનકના નિર્ણયની નિંદા કરી હતી. ઇયુમાં રહેવાની ઝુંબેશનું નેતૃત્વ કરવા બદલ તેમનો ટોરી પાર્ટીની રાઇટવિંગ વિશ્વાસ કરતી નથી અને વડા પ્રધાન તરીકે ચીન સાથેના ગાઢ સંબંધો પણ પક્ષને ખુંચે છે.

આર્મીસ્ટિસ ડે પર લંડનમાં પેલેસ્ટાઈન તરફી વિરોધને સંભાળવાની અસાધારણ નિષ્ફળતા માટે શ્રીમતી બ્રેવરમેનની હકાલપટ્ટી કરાઇ હોવાનું મનાય છે. 43 વર્ષીય કેબિનેટ મંત્રી બ્રેવરમેને ‘ધ ટાઇમ્સ’ના વિવાદાસ્પદ લેખમાં તેમણે ઇઝરાયલ-ગાઝા સંઘર્ષમાં યુદ્ધવિરામની હાકલ કરતા વિરોધીઓ સાથે મેટ પોલીસ પક્ષપાતી હોવાથી એક જેવો વ્યવહાર કરતી નથી એવો આક્ષેપ કર્યો હતો અને નંબર 10 પર આ બાબતે રોષ ઠાલવ્યો હતો.

મેટ્રોપોલિટન પોલીસ પર હુમલો કરતો વિવાદાસ્પદ લેખ પ્રકાશિત થયાના દિવસો પછી બ્રેવરમેન પર પેલેસ્ટાઈન તરફી વિરોધ કરતા લોકો અને ફાર રાઇટ વિંગના વિરોધીઓ વચ્ચે શેરીઓમાં થયેલી હિંસાને ભડકાવવા માટે તેમને દોષી ઠેરવ્યા હતા.

શ્રીમતી બ્રેવરમેને પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ‘હોમ સેક્રેટરી તરીકે સેવા આપવી એ મારા જીવનનો સૌથી મોટો વિશેષાધિકાર રહ્યો છે. મારે યોગ્ય સમયે વધુ કહેવું પડશે. વિકેન્ડમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફાર-રાઇટ હિંસાને પગલે અનેક અધિકારીઓ ઘાયલ થયા હતા.’’

શનિવારના વિરોધ પહેલા, બ્રેવરમેને દેખાવોને ‘હેટ માર્ચ’ તરીકે ઓળખાવી હતી અને પોલીસ અધિકારીઓ પર વિરોધીઓ સાથે ‘મનપસંદ રમત’ રમવાનો આરોપ લગાવ્યો હતો. બ્રેવરમેને ટ્વિટ કરતાં કહ્યું હતું કે ‘’કેટલાક વિરોધીઓ દ્વારા લલકારવામાં આવેલા આવેલા ગીતો, પ્લેકાર્ડ્સ અને પોસ્ટરો ‘સ્પષ્ટપણે ગુનાહિત’ હતા અને ‘નીચા’ હતા. એન્ટી સેમિટિઝમ અને રેસીઝમના અન્ય સ્વરૂપો સાથે મળીને આતંકવાદની આટલા મોટા સ્તરે સરાહના કરવી એ ખૂબ જ ચિંતાજનક છે. આ ચાલી શકે નહીં. અઠવાડિયે, લંડનની શેરીઓ નફરત, હિંસા અને યહૂદી વિરોધીતાથી પ્રદૂષિત થઈ રહી છે. લોકોને ટોળાં દ્વારા મારવામાં આવે છે અને ડરાવવામાં આવે છે. ખાસ કરીને યહૂદી લોકો ભય અનુભવે છે. આગળની કાર્યવાહી જરૂરી છે.’’

હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે અને એન્વાયર્નમેન્ટ સેક્રેટરી થેરેસી કોફીના પદ પર જોખમ હોવાના સંકેત મળે છે.

ભૂતપૂર્વ પ્રધાન એન્ડ્રીયા જેંકિન્સે જણાવ્યું હતું કે ‘’શ્રીમતી બ્રેવરમેનને સત્ય બોલવા બદલ બરતરફ કરવામાં આવ્યા હતા.’

સેન્ટ્રલ લંડનમાં શનિવારે તા. 11ના રોજ ફાર રાઇટ જૂથો અને પેલેસ્ટાઈન તરફી વિરોધીઓ સાથેની અથડામણો પછી 100 થી વધુ લોકોની ધરપકડ કરાઇ હતી.

લેબરની લીડમાં તાજેતરમાં 17 પોઇન્ટ્સનો વધારો થયો છે. લેબર હાલમાં 42 ટકા, ટોરી 27 ટકા, લિબ ડેમ 10 ટકા, રીફોર્મ 8 ટકા અને ગ્રીન 7 ટકા સમર્થન ધરાવે છે.

LEAVE A REPLY

three + 8 =