આ વર્ષ 2021ની શરુઆતમાં જ કેનેડાએ કોરોનાના ભય વચ્ચે પણ જાહેર કર્યું હતું કે તે ખૂબ જ મોટા પાયે ઈમિગ્રેશન માટે પોતાની બોર્ડર ખોલશે અને લોકોને આવકારશે. હવે 2021 પૂર્ણ થવા તરફ છે ત્યારે કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન સીન ફ્રેઝરે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં પહેલેથી જ અસ્થાયી ધોરણે રહેતા નિવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેનેડાએ 2021 માં 4,01,000 વિદેશીઓને કાયમી રહેઠાણ એટલે કે પરમેનન્ટ રેસિડેન્સી આપવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.ઇમિગ્રેશન પ્રધાને આગામી વર્ષે 4,11,000 નવા કાયમી રહેવાસીઓ ઉમેરવાની આશા વ્યક્ત કરી છે.

કેનેડાના ઈમિગ્રેશન પ્રધાન ફ્રેઝરે કહ્યું હતું કે “ગયા વર્ષે, અમે એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતું. આજે, અમે તે હાંસલ કર્યું,” ઉદારવાદી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે 2015 માં સત્તા પર આવ્યા પછી કેનેડિયન અર્થતંત્રને વેગ આપવા માટે ઇમિગ્રેશન પર આધાર રાખ્યો છે, દેશની લગભગ 38 મિલિયનની વસ્તીના આશરે 1% વાર્ષિક લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારે કહ્યું છે કે તે આવતા વર્ષે 4,11,000 નવા કાયમી રહેવાસીઓ ઉમેરવાની આશા રાખી રહ્યા છીએ. ગુરુવારે અગાઉ રજૂ કરાયેલા અધિકૃત ડેટા દર્શાવે છે કે કેનેડાની અર્થવ્યવસ્થા નવેમ્બરમાં સતત છઠ્ઠા મહિને સતત વધી રહી હોવાની સંભાવના છે, જે મહામારીના પૂર્વગાળાની ખૂબ નજીક આવી રહી છે.

કેનેડા પોતાની અર્થવ્યવસ્થાને ચલાવવા અને પોતાની વૃદ્ધ થતી વસ્તીને ટેકો આપવા માટે ઇમિગ્રેશન પર આધાર રાખે છે, તેણે 2020 માં જ્યારે સરહદો મોટાભાગે COVID-19 ને કારણે બંધ હતી ત્યારે નવા પીઆરની સંખ્યામાં 45% જેટલો ઘટાડો જોય હતો જે ઘટીને 1,85,000 થઈ ગઈ હતી. ઇમિગ્રેશન પ્રધાનના એક નિવેદન અનુસાર નવા 4,01,000 કાયમી રહેવાસીઓમાંથી મોટા ભાગના અસ્થાયી રીતે પહેલાથી જ કેનેડામાં રહેતા હતા. જોકે આટલી મોટી સંખ્યામાં પીઆર આપવા તે છેલ્લા 100 વર્ષોમાં પહેલીવાર બન્યું છે.