કેનેડા સરકારે કોવિડ-19ની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા જરૂરી કામદારોના વેતન વધારવાનો નિર્ણય કર્યો છે. દેશના વડાપ્રધાને જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે, ફેડરલ ગવર્નમેન્ટ પ્રોવિન્સ અને ટેરિટરીઝમાં કાર્યરત કામદારોના વેતન વધારા માટે 3 બિલિયન ડોલરનું યોગદાન આપશે. મીડિયા સાથેની વાતચીતમાં ટ્રુડોએ જણાવ્યું હતું કે, તમે દેશને જીવંત રાખવા માટે તમારા આરોગ્યને જોખમમાં મુકતા હોવ અને તમે હજુ સુધી ઓછામાં ઓછું વેતન (મિનિમમ વેજીસ) મેળવતા હોવ તો તમે વધુ વેતનના હકદાર છો.

કોરોના વાઇરસ કટોકટીના કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઇ ગઇ છે. તો કેટલાક લોકોને હજી અનિવાર્ય સેવાઓ માટે ફરજ ઉપર હાજર થવું પડે છે અને તેમાં આરોગ્ય ક્ષેત્રના કામદારો મુખ્ય છે.કેનેડાના નાણા પ્રધાન બિલ મોરન્યૂએ જણાવ્યું હતું કે, કેનેડાના મુખ્ય કામદારો અત્યારે દેશની હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવામાં સીધી રીતે જોડાયેલા હોવાથી તેઓ આપણી મદદના હકદાર છે.

સમાજના અન્ય ક્ષેત્રના કામદારો પણ લાભ મેળવવા માટે હકદાર છે, પરંતુ સ્થાનિક સરકારો દ્વારા આવા ક્ષેત્રો નક્કી કરાશે. તેમાં ગ્રોસરી સ્ટોર્સ, ડિલીવરી કરનાર, ટ્રકર્સ અને બાંધકામ ક્ષેત્રના કામદારોનો સમાવેશ થાય છે. અગાઉની યોજના મુજબ જે લોકો મહિને 2500 ડોલરથી ઓછું કમાતા હશે તેમને ધ્યાનમાં લેવાના હતા, પરંતુ પ્રોવિન્સ અને ટેરીટરીઝ દ્વારા કોને લાભ આપવા તેના માપદંડો નક્કી કરાશે અને કેટલો વધારો આપવો તે પણ નક્કી કરાશે.