વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ત્રીજી મુદત માટે પણ સત્તા ઉપર ટકી રહેશે પરંતુ તેમના પક્ષને અતિ જરૂરી એવી સ્પષ્ટ બહુમતિ મળશે નહીં. જસ્ટિન ટ્રુડોએ તેમની લઘુમતિ સરકાર માટે બહુમતિ મેળવવા ઓગષ્ટમાં જ મધ્યસત્રી ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ સામાન્ય ચૂંટણીના અંદાજીત પરિણામો 2019ની ચૂંટણીનું પુનરાવર્તન સૂચવી રહ્યા છે.

2019ની ચૂંટણીમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને 157 અને વિપક્ષ કન્ઝર્વેટીવને 121 બેઠકો મળી હતી. 2021ની ચૂંટણીમાં પણ લીબરલ પાર્ટી 157 બેઠકો ઉપર આગળ કે વિજયી નીવડેલ છે જ્યારે કન્ઝર્વેટીવ 123 બેઠકો મળતી હોવાના સંકેતો છે. કન્ઝર્વેટીવ પક્ષને ગત ચૂંટણી કરતાં 1.5 ટકા વધારે 34 ટકા મતો મળ્યા છે. એનડીપીને 30 બેઠકો મળી છે. મોન્ટ્રીયલમાં પોતાના સમર્થકોને સંબોધતાં ટ્રુડોએ જણાવ્યું હતું કે, લાખો કેનેડીયનોએ સરકારની પ્રગતિશીલ યોજના સ્વીકારીને અમને ફરી કામ કરવા આદેશ આપ્યો છે. મધ્યસત્રી ચૂંટણીના નિર્ણયથી નારાજ જણાતા મતદારોને સંદેશો આપતાં ટ્રુડોએ જણાવ્યું હતું કે, મતદારો રાજકારણ કે ચૂંટણીની વધુ વાતો ઇચ્છતા નથી તે મેં (વડાપ્રધાન) સાંભળ્યું છે. કેનેડાના ન્યૂઝ નેટવર્ક્સે લિબરલ સરકારની રચના અને વિપક્ષ કન્ઝર્વેટીવે પૂરતી બેઠકો નહીં મેળવ્યાના સમાચારો આપ્યા હતા. કન્ઝર્વેટીવ નેતા એરીન ઓ ટુલેએ ટ્રુડો ઉપર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનને ઝડપથી સત્તા કબજે કરવી હતી પરંતુ મતદારોએ તેમને બહુમતિથી વંચિત રાખ્યા છે.

 

જગમિતસિંહ તથા અન્ય 17 ભારતીય કેનેડીયનો સંસદની ચૂંટણીમાં વિજેતા

કેનેડાની સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન ટ્રુડોની વિસર્જીત કેબિનેટના ત્રણ પ્રધાનો તથા ન્યૂ ડેમોક્રેટીક પાર્ટીના જગમિતસિંહ સહિત 18 ભારતીય કેનેડીયનો વિજયી નીવડ્યા છે.

ટ્રુડો સરકારના સંરક્ષણ પ્રધાન હરજીત સજ્જન (વાન્કુવર બેઠક) યુવા અને ડાયવર્સિટી પ્રધાન બર્દીશ ચાગર (વોટરલૂ બેઠક) તેમજ અનિતા આનંદ (પબ્લિક સર્વિસ પ્રધાન) ઓકવીલે બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા છે. હરજીતસિંહત સજ્જનને 49 ટકા મતો મળ્યા છે. એનડીપીના જગમિતસંહ બાર્નબી બેઠક ઉપરથી અંદાજે 38 ટકા મતો સાથે ચૂંટાઇ આવ્યા હતા.
લિબરલ પાર્ટીના જ્યોર્જ ચહલ કેલ્ગેરી સ્કાયવ્યૂ બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. તેમને નવી કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા છે. ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાંથી ફરીથી ચૂંટાયેલાઓમાં કમલ ખેરા (બ્રેમ્પ્ટન વેસ્ટ) રૂબી સહોટા (બ્રેમ્પ્ટન નોર્થ) સોનિયા સિધુ (બ્રેમ્પ્ટન સાઉથ) અને અરીફ રાની (પાર્કડેલ હાઇ પાર્ક)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મેટ્રો વાન્કુવરમાં સુખ ઢાલિવાલ (સરે-ન્યૂટન), રણદીપ સરાઇ (સરે), અંજુ ધિલ્લોન (ડોર્વાલ લાચિન) તથા નેપીન બેઠક ઉપરથી ચંદ્ર આર્ય ચૂંટાઇ આવ્યા હતા.