ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સોમવાર, 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગ ખાતે ચાલુ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ટોસ જીતને બેટિંગ લીધી હતી. ભારતનો બેટર હનુમાન વિહારી શોટ રમી રહ્યો છે. . (ANI Photo)

સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ કેપટાઉન પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ કેપટાઉન પહોંચ્યા તેની ઝલક દેખાડવામાં આવી છે. ભારતીય ટીમ કેપટાઉન પહોંચી ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ નિર્ણાયક બની રહેશે કેમ કે હાલમાં ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર છે. તેથી જે ટીમ આ મેચ જીતશે તે સીરિઝ પણ જીતી જશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ઈતિહાસ રચવાની તક છે. જો ભારત આ ટેસ્ટ જીતી જશે તો તે શ્રેણી પણ જીતી જશે જે સાઉથ આફ્રિકન ધરતી પર તેનો પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય હશે.
શ્રેણીમાં ભારતનું પ્રદર્શન જોતા તે ઈતિહાસ રચી શકે છે. સેન્ચ્યુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 113 રનથી વિજય નોંધાવ્યો હતો. જ્યારે જોહાનિસબર્ગના વાન્ડરર્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં યજમાન ટીમે ભારતને સાત વિકેટે પરાજય આપીને શ્રેણી સરભર કરી દીધી હતી.

કેપટાઉનમાં ભારતે અત્યાર સુધી પાંચ ટેસ્ટ રમી છે જેમાંથી એક પણ મેચમાં તે વિજય નોંધાવી શક્યું નથી. તેવામાં કેપટાઉનમાં સાઉથ આફ્રિકાને પરાજય આપવો મુશ્કેલ રહેશે. આ મેદાન પર ભારતે બે મેચ ડ્રો રમી છે. ભારતે છેલ્લે 2018માં આ મેદાન પર ટેસ્ટ રમી હતી જેમાં તેને 72 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં 1993માં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ 2011માં પણ આ મેદાન પર રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી.