Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ન્યૂયોર્કની મેન્ડેરિન ઓરિયેન્ટલ હોટેલનો સોદો કર્યો છે. રિલાયન્સ જૂથે શનિવારે મોડી રાતે જણાવ્યું કે કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ મારફત મેન્ડેરિન ઓરિયેન્ટલ હોટેલમાં 73.37 ટકા હિસ્સો ખરીદ્યો છે જેના માટે 98.15 મિલિયન ડોલર ચુકવવામાં આવશે.આ ઉપરાંત તે આ ડીલની સાથે તેના માથે 115 મિલિયન ડોલરનું દેવું આવશે, જેથી સમગ્ર સોદો 270 મિલિયન ડોલરમાં થશે.

248 લક્ઝરી રૂમ અને સ્યુટ્સ ધરાવતી આ પ્રોપર્ટી કોલંબસ સર્કલ ખાતે આવેલી છે. તે મેનહેટનમાં સૌથી પોશ વિસ્તારની ઇમારત ગણવામાં આવે છે, જ્યાં હોલિવૂડની જાણીતી સેલિબ્રિટિઝ અને હેજ ફંડના અબજોપતિ રોકાણકારો વસવાટ કરે છે.

હજુ એક વર્ષ કરતા ઓછા સમય અગાઉ રિલાયન્સે લંડન નજીક સ્ટોક પાર્કની ખરીદી કરી હતી, જે બ્રિટનની પ્રથમ કન્ટ્રી ક્લબ છે. આ ખરીદી કિંગ ફેમિલીની માલિકીના ઇન્ટરનેશનલ ગ્રૂપ પાસેથી 5.7 કરોડ પાઉન્ડ, એટલે કે 592 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી.

હોટેલ ગ્રૂપ ડોએચ્ચ બેન્ક સેન્ટરના નોર્થ ટાવરમાં 65 કોન્ડો એપાર્ટમેન્ટને પણ હોટેલ સર્વિસ પૂરી પાડે છે. અગાઉ તે ટાઇમ વોર્નર સેન્ટર તરીકે ઓળખાતું હતું. આ હોટેલ સ્વયં અલગથી માલિકી ધરાવતું કોન્ડો યુનિટ છે અને તેમાં ટ્વીન ટાવર્ડ સ્કાયસ્ક્રેપરનો સમાવેશ થાય છે. આ હોટેલ 34થી લઈને 54મો માળ ધરાવે છે અને શહેરમાં ફંડ એકત્રીકરણના મોટા કાર્યક્રમો માટે તેનો ઉપયોગ થાય છે. તેમાં એવોર્ડ વિજેતા સ્પા અને રેસ્ટોરન્ટ્સ પણ સામેલ છે. લક્ઝરી હોટેલની ખરીદીથી મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્પર્ધા ટાટા ગ્રૂપની ઇન્ડિયન હોટેલ્સ સાથે થશે. મેન્ડેરિન સ્થિત હોટેલથી સાવ નજીકમાં ટાટા જૂથની તાજ હોટેલ પિયર આવેલી છે. રિલાયન્સ સાથેના સોદા પછી પણ મેન્ડેરિન ઓરિયન્ટલના માલિકો તેનું સંચાલન ચાલુ રાખશે. માર્ચ 2022ના અંત સુધીમાં ડીલ પૂર્ણ થવાની શક્યતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાકીનો 26.63 ટકા હિસ્સો સમાન વેલ્યૂએશન પર ખરીદશે જે ભાવે અત્યારનો હિસ્સો ખરીદવામાં આવ્યો છે.