કેપ્ટન સર ટોમ મૂર (REUTERS/Dylan Martinez/File Photo)

કોરોના મહામારી સામે લડતા હેલ્થ સર્વિસ વર્કર્સ માટે મિલિયન્સ ઓફ પાઉન્ડ એકત્ર કરીને સમગ્ર દેશનો જુસ્સો બુલંદ બનાવનારા બ્રિટનના કેપ્ટન સર ટોમ મૂરનું મંગળવારે તા. 2ના રોજ 100 વર્ષની વયે અવસાન થયું હતું. કેપ્ટન મૂરે તેમના ગાર્ડનની ફરતે ચાલીને નેશનલ હેલ્થ સર્વિસ માટે 38.0 મિલિયન પાઉન્ડ (53 મિલિયન ડોલર) એકત્ર કરવામાં મદદ કરી હતી.

મૂરે દુનિયાને સંદેશ આપ્યો હતો કે ફરી સૂર્યોદય થશે અને અંધકારના વાદળો વિખેરાઈ જશે. કોવિડ લોકડાઉન દરમિયાન આશા અને બલિદાનના સાદા સંદેશ મારફત લાખ્ખો લોકોના હૃદયને સ્પર્શી ગયેલા કેપ્ટન મૂરને સમગ્ર બ્રિટને ફ્લાવર અને લાઇટ સાથે શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં એક મિનિટના મૌન બાદ વડાપ્રધાન બોરિસ જોન્સને બુધવારે મૂર અને હેલ્થ વર્કર્સને સન્માન આપવા લોકોને અનુરોધ કર્યો હતો. લંડનથી 50 માઇલ દૂર માર્સ્ટન મોરેટેઇનમાં આવેલા તેમના નિવાસસ્થાને બાળકોએ ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી અને ભાવુક સંદેશ લખ્યા હતા.

સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં બેડફોર્ડ હોસ્પિટલમાં મંગળવારની સવારે નિધન બાદ તેમની પુત્રીઓએ એક નિવેદનમાં જણાવાયું હતું કે અતિશય દુઃખની લાગણી સાથે અમે અમારા પ્રિય ફાધર કેપ્ટન સર ટોમ મૂરના નિધનની જાહેરાત કરીએ છીએ. મૂરના પરિવારે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી સર ટોમ મૂર પ્રોસ્ટેટ અને સ્કીન કેન્સરની સારવાર લઈ રહ્યાં હતા. 22 જાન્યુઆરીએ કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ તેમના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ક્વીન ઇલિઝાબેથે મૂરને શ્રધ્ધાંજલી આપી હતી. જોન્સને જણાવ્યું હતું કે કેપ્ટન ટોમ મૂર ખરા અર્થમાં હીરો હતા. તેઓ માત્ર રાષ્ટ્રીય પ્રેરણા જ બન્યા નહોતા, પરંતુ વિશ્વ માટે આશાનું કિરણ હતા. જોન્સને મૂરની પુત્રી હન્નાહ સાથે વાત કરી તેઓએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. મૂરના સન્માનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન જોન્સને કેપ્ટન ટોમના માનમાં તેમને તાળીઓથી વધાવી લેવા અહ્વાન કરતાં જણાવ્યું હતું કે

‘’આ તાળીઓ બધા આરોગ્ય કર્મચારીઓ માટે પણ હશે જેમના માટે તેમણે પૈસા એકઠા કર્યા હતા. એક ફેસબુક ગૃપે “ક્લેપ ફોર કેપ્ટન સર ટોમ’’ કાર્યક્રમનું આયોજન કરતાં તા. 4 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 7 વાગ્યે 85,000થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો.

બીજી તરફ તેમને સ્ટેટ ફ્યુનરલ માટે ઓછામાં ઓછી 10 પીટીશન વેબસાઇટ ચેન્જ.ઓર્ગ પર કરવામાં આવી હતી. આવું સન્માન તાજેતરના સમયમાં એકમાત્ર બિન-રોયલ, પૂર્વ વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને મળ્યું હતું.  અન્ય પીટીશનમાં તેમની પ્રતિમા સ્થાપવા, દેશવ્યાપી એક મિનિટના મૌન, વેસ્ટમિંસ્ટર એબીમાં દફન અને 21 તોપની સલામ અથવા ફ્લાયપાસ્ટની માંગ કરવામાં આવી  હતી. વડાપ્રધાનને એક પત્રકારના પ્રશ્નના જવાબમાં કેપ્ટન સર ટોમની પ્રતિમા માટેના કૉલને “ઉત્તમ” વિચાર છે. અમે તેમના પરિવાર સાથે મળીને આ માટે કામ કરીશું.”

લેબર નેતા સર કેર સ્ટાર્મરે પણ કેપ્ટન ટોમને અંજલિ આપી હતી.  હાઉસ ઑફ કૉમન્સના અધ્યક્ષ સર લિન્ડસે હોયલે કેપ્ટન સર ટોમ મૂરને મિનિટની મૌન શ્રદ્ધાંજલિ આપી હતી. તો હાઉસ ઑફ લોર્ડ્સમાં પણ મૌન રાખવામાં આવ્યું હતું. સૌ પોતાની બેઠક પર ઉભા થયા બાદ શ્રદ્ધાંજલિ આપતા અગ્રણી, લોર્ડ સ્પીકર લોર્ડ ફોવલે જણાવ્યું હતું કે “તેમનો શાંત સંકલ્પ અને જાહેર સેવાની નિસ્વાર્થ ભાવનાને ક્યારેય ભૂલી શકાશે નહીં.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે તેમણે “રાષ્ટ્રના હૃદયને સ્પર્શ્યું છે અને આપણે તે યાદ રાખવું જોઈએ. કેપ્ટન સર ટોમ અતિ મુશ્કેલ વર્ષ દરમિયાન લોકોની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક હતા. હું ખાતરી કરીશ કે આપણે તેમના યોગદાનને યોગ્ય ક્ષણે યોગ્ય અને યોગ્ય રીતે ચિહ્નિત કરીશું.”

વેમ્બલી સ્ટેડિયમે ખાતે પણ કમાન પર રોશની કરવામાં આવી હતી અને ટ્વીટ કરાયું હતું કે તે કેપ્ટન સર ટોમ મૂરની “જીવન અને સિદ્ધિઓને યાદ કરવામાં અને ઉજવણી કરવામાં” રાષ્ટ્ર સાથે જોડાશે.

લંડનમાં પિકાડિલી સર્કસ અને બ્લેકપૂલ ટાવર પણ કેપ્ટન સર ટોમને શ્રદ્ધાંજલિ આપવા માટે સામેલ થયા હતા.

કેપ્ટનની લોકપ્રિયતા એટલી વધારે હતી કે તેમના 100 મા જન્મદિવસે તેમને લોકોએ અઢી લાખ કાર્ડ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.