હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશ્વભરમાં વિચરણ કરનાર પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી (અધ્યક્ષશ્રી, SGVP ગુરુકુલ – અમદાવાદ)એ વેલ્સના કાર્ડિફ શહેરમાં ‘શ્રી કચ્છી લેવા પટેલ સમાજ’ દ્વારા યોજેલ ‘શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ’નું રસપાન કરાવ્યું હતું.

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ કથાનું શ્રવણ કરવા ઉપસ્થિત વિશાળ ભક્ત સમુદાયને જણાવ્યું હતું કે ‘ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે જરૂર હતી ત્યારે વાંસળીના સુંદર સૂર રેલાવ્યા પરંતુ જ્યારે જરૂરીયાત જણાઇ ત્યારે હાથમાં સુદર્શન ચક્ર પણ ધારણ કર્યું હતું. આજે હિંદુ ધર્મની રક્ષા માટે હવે શંખનાદ કરવાની જરૂર છે.’

કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીરામ પ્રાગટ્યોત્સવ, શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, અન્નકૂટોત્સવ, શ્રીકૃષ્ણ-રૂક્મિણી વિવાહ વગેરે પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા. હિંદુત્વની ગરીમાથી ભરેલી પૂજ્ય સ્વામીજીની વાણીએ સૌના હૈયામાં ખુમારી પ્રગટાવી દીધી હતી.

કાર્ડિફના ભાવિક બહેનોએ સમગ્ર આયોજન ઉત્સાહથી ઉપાડી લઇ કથામાં પધારનારા સૌને પ્રેમથી ભોજન કરાવ્યું હતું.

કાર્ડિફ ખાતે સનાતન મંદિરના પ્રમુખશ્રી હરીશભાઈ પટેલ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ જાદવા, રમેશભાઈ કેસરા, ટ્રસ્ટી મંડળના સભ્યોએ પૂજ્ય સ્વામીજી અને સાથી સંતોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.