(PTI Photo)

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળતાંડવ સર્જાયું હતું. રાજકોટ શહેર અને જિલ્લાના અનેક ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જાનમાલને ભારે નુકસાન થયું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાના આદેશ આપ્યાં હતાં.

બંગાળમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત ભણી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં મેઘતાંડવ થઈ રહ્યું છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ચારેકોરથી બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ પણ રાજ્યમાં ઠેર-ઠેર વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જૂનાગઢ, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી તારાજીના દૃશ્યો સર્જાયા છે. આ ઉપરાંત દરિયામાં બીજા અનેક ડિપ્રેશન બનવાના કારણે આગામી 30 જુલાઈથી 5 ઓગષ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

દક્ષિણ ગુજરાતના નવસારી અને જલાલપોરમાં શનિવારે સવારે આભ ફાટયું હોય તેમ સવારે માત્ર ૪ કલાકમાં જ ૧૦-૧૦ ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતુ. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરક થવા સાથે લોકોના ઘરો અને દુકાનોમાં ૪ થી ૫ ફૂટ પાણી ભરાતા ભારે નુકસાન સહન કરવું પડયું હતુ. કમ્પાઉન્ડ વોલ તુટી જતાં ૩૫૦થી વધુ ગેસ સિલિન્ડરો તણાઈ ગયા હતા. નવસારી ગ્રીડ પાસે ને. હા. નં. ૪૮ પર કેડસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી. ભારે વરસાદને કારણે પાણી ભરાતા જિલ્લામાં ૭૨ માર્ગો બંધ કરવા પડયા હતા.

જૂનાગઢ શહેરમાં ગત સપ્તાહે 21 જુલાઈએ 241 મીમી (આશરે 10 ઇંચ) વરસાદ નોંધાતા સૌથી વધુ નુકસાન થયું હતું. જૂનાગઢમાંથી લગભગ 3,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના રહેણાક વિસ્તારમાં લોકોએ અત્યાર સુધી ક્યારે ન જોઈ હોય તેવી આફત જોઈ હતી.
શહેરમાં ભારે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી અને અચાનક પૂરના કારણે કારો એકબીજા પર ઢગલા થઈ ગઈ હતી. ગિરનાર પર્વત પરથી આવેલા ફ્લેશ ફ્લડને કારણે વાહનો અને પશુઓ વહી ગયા હતા. પૂરને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 10 રાજ્ય ધોરીમાર્ગો અને 300 ગ્રામીણ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને પાણી ઓસર્યા હતા ત્યાંથી વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે દીવાલ ધરાશાયી થવાના કારણે 45 વર્ષના સુરેશ ખીમાભાઈ નામની વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF) સહિત સત્તાવાળાઓ લોકોને બહાર કાઢવા અને વરસાદ બંધ થઈ ગયેલા વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી. કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે તણાઈ ગયેલા અને નુકસાન પામેલા વાહનોને દૂર કરવા માટે ક્રેનો તૈનાત કરવામાં આવી હતી. સત્તાવાળાઓ રહેણાંક વિસ્તારોમાં જમા થયેલા પાણી દૂર કરવા માટે ડીવોટરિંગ પંપનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.

જૂનાગઢ શહેરમાં અને ગિરનાર ઉપર શનિવારે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર થોડા કલાકો માટે જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તરતા અને તણાતા જોવા મળતા લોકો ડઘાઈ ગયા હતા. લોકોનાં ઘરમાં પણ પાંચ-પાંચ ફૂટ પાણી ઘૂસી જતાં તમામ ઘરવખરી પલળી ગઈ હતી.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કલેક્ટરે કલમ 144નું જાહેરનામું બહાર પાડ્યું હતું અને લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ હતી. જૂનાગઢ શહેરનાં પ્રવાસન સ્થળો પર પણ પ્રતિબંધ મુકાયો હતો. લોકોને ડેમ અને ચેકડેમથી દૂર રહેવા અપીલ કરાઈ હતી.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં શનિવાર, 22 જૂને મુશળધાર વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં છ કલાકમાં સાડા આઠ ઈંચ તો જૂનાગઢના વિસાવદરમાં બે કલાકમાં સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમરેલીમાં કોઝવે પરથી યુવક બાઈક સાથે તણાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ બપોર પછી વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં સાત ઈંચથી વધુ વરસાદ વરસી જતાં ચોમેર તારાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા. કચ્છમાં અબડાસા, નખત્રાણા, માંડવી, ભુજ, લખપત અને રાપર તાલુકામાં હળવાથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસા તાલુકાના વડા મથક નલિયામાં બપોરનાં બે વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો અને બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થતાં તાલુકાનો સૌથી મોટા મીઠી સહિતના ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. મોરબી પંથકમાં પણ બપોર સુધીમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગોસા નજીકના પુલ પર પાણી ફરી વળતાં હાઇવે બંધ થઈ ગયો હતો.

રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશનના સેન્ટરના ડેટા મુજબ 24 જુલાઇ ૨૦૨૩એ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૯૪ મીમી અને લોધિકા તાલુકામાં ૮૨ મિ.મી., જામનગરના લાલપુરમાં ૮૪ મીમી, અમરેલીના બાબરામાં ૮૩ મીમી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૮૧ મીમી, કચ્છના ગાંધીધામમાં ૭૯ મીમી અને સુરત શહેરમાં ૭૫ મીમી વરસાદ વરસ્યો હતો.

LEAVE A REPLY

14 − 11 =