(PTI Photo)
કોરોનાવાયરસના ચેપનો ભોગ બનેલા લોકોનો દર એપ્રિલમાં જે ટોચ પર હતો તેનાથી સતત નીચે આવી રહ્યો છે અને જૂન મહિનાની શરૂઆતમાં દર્દીઓની સંખ્યા પ્રતિ દિન 1000ની નીચે સરી રહી છે. જો કે, લેસ્ટર અને ઓલ્ડહામ જેવા કેટલાક વિસ્તારોમાં ચેપના વધુ દર્દીઓ નોંધાઇ રહ્યાં છે, જેના પગલે સ્થાનિક લૉકડાઉનનો ભય જણાઇ રહ્યો છે. પરંતુ બીજી તરફ નોકરીઓ, ખર્ચ અને વધતા જતા દેવાના કારણે  બીજી નવી ચિંતાઓથી બિઝનેસીસ અને લોકો ડર અનુભવી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે વૈશ્વિક સ્તરે વાયરસનો ફેલાવો હજુ પણ ઝડપથી થઈ રહ્યો છે. સ્પેન સહિત કેટલાક યુરોપિયન દેશોમાં કેસો ફરીથી વધી રહ્યા છે. જેના પગલે ત્યંથી બ્રિટનમાં આવનારા મુસાફરો પર ક્વોરોન્ટાઇન પ્રતિબંધો લદાયેલા છે. યુકેમાં 28 જુલાઇ સુધીમાં કોરોનાવાયરસના 300,692 પોઝીટીવ કેસો નોંધાયા હતા અને તેમાંથી 45,878ના મૃત્યુ થયા હતા.

બ્રિટનના રસ્તાઓ પર વાહન ચલાવવાનું સ્તર પૂર્વ-લોકડાઉન તરફ પાછું ફર્યું છે. જાન્યુઆરીની તુલનામાં ડ્રાઇવિંગમાં 18%નો વધારો થયો છે. જો કે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ 38% નીચે રહ્યો છે. આ કટોકટીના શરૂઆતના તબક્કે વિશ્વભરના નાણાકીય બજારો માર્ચમાં તૂટી ગયા હતા. પરંતુ પાછલા મહિનામાં રસી માટેની આશાએ બજારોમાં તેજી લાવી હતી. જો કે કેટલાક દેશોમાં ચેપની નવી લહેર અને ડરથી ધારણા કરતા ધીમી આર્થિક રીકવરીના ભયને લીધે શેરોમાં જોખમ વધ્યું છે.

કોવિડ-19નો પ્રભાવ રોજગાર પર લાગવા લાગ્યો છે. માર્ચ અને જૂન વચ્ચે કંપનીના પે-રોલ્સ પરના કર્મચારીઓની સંખ્યામાં 649,000નો ઘટાડો થયો છે. જો કે, ફર્લો પરના લગભગ 9.5 મિલિયન લોકોની સાથે, સત્તાવાર બેરોજગારીનો દર 3.9% પર યથાવત રહ્યો છે, જે અત્યાર સુધીના સરકારના સમર્થનની સફળતાને દર્શાવે છે. પણ ઓક્ટોબરમાં ફર્લો યોજનાનો અંત આવતા બેરોજગારીમાં તીવ્ર વધારો થશે. બજેટ રિસ્પોન્સિબિલીટી ઑફિસના અંદાજ મુજબ બેરોજગારી વર્ષના અંત સુધીમાં ડબલ થઇ જશે અને 1980ના દાયકામાં હતી તે સ્તરે પહોંચશે.

બિનજરૂરી માલસામાન વેચતી દુકાનો ફરી શરૂ થવાથી મે માસની તુલનામાં જૂનમાં છૂટક વેચાણમાં 13.9%નો વધારો થયો છે. ઑનલાઇન ખર્ચ, ડીઆઈવાય અને ખોરાકના વેચાણમાં વધારો થયો છે. કપડાંના વેચાણમાં વધારો થયો નથી. ONSના જણાવ્યા મુજબ બિન-ખાદ્યપદાર્થોનું વેચાણ રોગચાળાના પૂર્વ સ્તરથી તૃતીયાંશ નીચે છે.

સરકારના ઇમરજન્સી ટેક્સ અને ખર્ચના જૂન સુધીના ત્રણ મહિનામાં જાહેર ઋણમાં £128 બિલીયનનો વધારો થયો છે, જે ગયા વર્ષ કરતા બમણો છે. એપ્રિલ મહિનાથી અર્થતંત્રમાં સાધારણ રીકવરી થઈ હતી અને જીડીપીમાં 1.8%નો વધારો થયો હતો. અર્થશાસ્ત્રીઓએ 5.5% વૃદ્ધિની અપેક્ષા કરી હતી. બાર અને રેસ્ટોરન્ટ્સ બંધ હોવાને કારણે મે મહિના સુધીના ત્રણ મહિનામાં, ફૂડ એન્ડ ડ્રિંક સેક્ટરમાં 69 ટકાનો ઘટાડો થયો હતો.

ચાન્સેલર ઋષિ સુનકે આઠ વર્ષમાં પ્રથમ વખત દેશમાં મકાનોની કિંમતોમાં ઘટાડો થતાં બ્રિટનના હાઉસિંગ માર્કેટને પુનર્જીવિત કરવા તાત્કાલિક સ્ટેમ્પ ડ્યુટીમાં કપાતની જાહેરાત કરી હતી. હેલિફેક્સના તાજેતરના સ્નેપશોટ મુજબ, જૂનમાં સતત ચોથા મહિને મકાનોના ભાવ ઘટ્યા હતા.

1970ના દાયકાના મધ્યભાગમાં આવેલી તેલની કટોકટી પછી લોકોની પારિવારીક નાણાકીય સ્થિતિને ભારે નુકસાન પહોંચ્યું છે. રિઝોલ્યુશન ફાઉન્ડેશનના અહેવાલ અનુસાર માર્ચની તુલનામાં મે મહિનામાં સરેરાશ ઘરેલુ આવક 4.5% ઘટી હતી. આ નુકસાન 2008ના નાણાકીય સંકટને પણ વટાવી ગયું છે. સરકારની સહાય યોજનાઓને કારણે અસર વધારે થતી અટકી છે અને ખાસ કરીને ગરીબ ઘરોને ટેકો મળ્યો છે. જો કે ફર્લો યોજના ઓક્ટોબરમાં બંધ થયા બાદ આ વર્ષના અંતે પારિવારીક આવકમાં વધુ તીવ્ર ઘટાડો થશે.