
ન્યૂયોર્કમાં આવેલો પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર રવિવારે વિવિધ રંગ અને શૈલીની સાડીઓથી છવાઈ ગયો હતો. ભારતીય ડાયસ્પોરા અને અન્ય રાષ્ટ્રોની મહિલાઓએ અહીં એક ખાસ કાર્યક્રમમાં સાડીઓની ભવ્યતા અને વારસો રજૂ કરીને મહિલાઓના સશક્તિકરણની ઉજવણી કરી હતી.
ન્યૂ યોર્ક સ્થિત સંગઠન ઉમા ગ્લોબલે ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સહયોગમાં યોજેલા ‘સાડી ગોઝ ગ્લોબલ’ ઇવેન્ટમાં આ નજારો જોવા મળ્યો હતો.
ઉમા ગ્લોબલના એક નિવેદનમાં જણાવાયું હતું કે આ વર્ષની ઉજવણીમાં ભારત, બાંગ્લાદેશ, યુકે, વેસ્ટ ઈન્ડિઝ, મલેશિયા, સિંગાપોર, શ્રીલંકા તથા અમેરિકાના અનેક શહેરો અને ન્યૂ યોર્કવાસી મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનાથી ટાઇમ્સ સ્ક્વેરમાં જીવંત વૈશ્વિક સંસ્કૃતિ જોવા મળી હતી.
ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખાતેના કોન્સ્યુલ (ચાન્સરીના વડા) પ્રજ્ઞા સિંહે સાડીના સાંસ્કૃતિક ઇતિહાસ અને વિવિધતાની માહિતી આપતાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી જૂના અને હજુ પણ પહેરવામાં આવતા વસ્ત્રોમાં સાડીનો સમાવેશ થાય છે, જેનો ઇતિહાસ હજારો વર્ષોથી ફેલાયેલો છે. તેની અસંખ્ય શૈલીઓ, પહેવેશ કલા ભારતની અસાધારણ વિવિધતા અને કલાત્મક વારસાને પ્રતિબિંબિત કરે છે.
આ કાર્યક્રમમાં બિહુ નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ‘સાડી વોકેથોન’નું પણ આયોજન કરાયું હતું.
ન્યુ યોર્ક સિટી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ફક્ત સાંસ્કૃતિક ઉજવણીનો ન હતો. તે કારીગરી, વાર્તા કહેવાની કલા અને સમુદાયની પેઢીઓનું સન્માન કરે છે. સાડી આપણને યાદ અપાવે છે કે જ્યારે મહિલાઓ નેતૃત્વ કરે છે, ત્યારે સમુદાયો ખીલે છે અને નવીનતા ખીલે છે. આ ઇવેન્ટ ખરેખર ન્યુ યોર્ક શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે એક પત્રમાં સમગ્ર ન્યૂ યોર્ક રાજ્યમાં વિવિધતા, સશક્તિકરણ અને સમુદાય જોડાણમાં આ કાર્યક્રમના યોગદાનની પ્રશંસા કરી હતી.











