બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે સોમવારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મહિનાઓ સુધી ચાલેલા ટ્રાયલનું કોર્ટે હસીનાને ત્રણ ગુનાઓ પર દોષિત ઠેરવ્યા હતાં.ગયા વર્ષે વિદ્યાર્થીના નેતૃત્વ હેઠળના બળવા પર ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતી. વિદ્યાર્થીઓના આંદોલનનને પગલે બાંગ્લાદેશમા હસીનાની અવામી લીગ સરકારનું પતન થયું હતું અને શેખ હસીના ભાગીને ભારત આવ્યાં હતાં.
જસ્ટિસ મોહમ્મદ ગોલામ મોર્તુઝા મજુમદારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે હસીનાના બે સાથીદારો ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલ અને ભૂતપૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન સામે સમાન આરોપો પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે ત્રણેય આરોપીઓએ દેશભરમાં વિરોધીઓને પર અત્યાચાર કરવા માટે એકબીજા સાથે મળીને કામ કર્યું હતું. જોકે તેણે ભૂતપૂર્વ પોલીસ વડાને માફ કરી દીધા હતા, જેમણે “ટ્રિબ્યુનલ અને દેશના લોકોની માફી માંગી હતી.
હસીના અને કમાલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતાં અને તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવ્યો હતો, જ્યારે મામુન પર શરૂઆતમાં રાજીનામું આપતા પહેલા રૂબરૂમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.












