પતિ
(Photo by NICHOLAS BRADLEY/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ તેના પતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે અને તેના કારણે કમાણીમાં થયેલા નુકસાન માટે ૫૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. જેટલી અને હાગના લગ્ન ૨૦૧૦માં થયા હતા અને તેમને ત્રણ બાળકો છે, જેમાં વિન્સ્ટન, વિરાજ અને આર્થરનો સમાવેશ થાય છે.

નો એન્ટ્રી, અપના સપના મની મની, મની હૈ તો હની હૈ, ગોલમાલ રિટર્ન્સ અને થેંક યુ જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી જેટલીએ 21 નવેમ્બરના રોજ મુંબઈની એક કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પગલે ઓસ્ટ્રિયન ઉદ્યોગસાહસિક અને હોટેલિયર હાગને નોટિસ જારી કરવામાં આવી હતી.

૪૭ વર્ષીય જેટલીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ૪૮ વર્ષીય હાગ એક “નાર્સિસિસ્ટ” અને “આત્મમગ્ન વ્યક્તિ” છે જે તેના અથવા તેમના બાળકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ રાખતો નથી. પતિએ ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક દુર્વ્યવહાર કર્યો છે, જેના કારણે તેને ઑસ્ટ્રિયામાં પોતાનું ઘર છોડીને ભારત પાછા ફરવાની ફરજ પડી હતી.

લો ફર્મ કરંજવાલા એન્ડ કંપનીની ટીમ મારફત અભિનેત્રીએ માસિક રૂ. ૧૦ લાખ ભરણપોષણની માંગણી કરી છે અને હાગને તેના મુંબઈના નિવાસસ્થાનમાં પ્રવેશતા અટકાવવા વિનંતી કરી છે. તેને તેમના ત્રણ બાળકોની કસ્ટડી પણ માંગી હતી, જેઓ હાલમાં ઓસ્ટ્રિયામાં હાગ સાથે રહે છે. હાગે આ વર્ષે ઓગસ્ટમાં ઑસ્ટ્રિયાની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી.

સેલિના જેટલી અને પીટર હાગ માર્ચ 2012માં જોડિયા બાળકોના માતાપિતા બન્યાં હતાં. પાંચ વર્ષ પછી, તેને બીજા જોડિયા બાળકોના જન્મ આપ્યો હતો, જેમાંથી એકનું હાયપોપ્લાસ્ટિક હૃદયના કારણે મૃત્યુ થયું હતું.

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સ રનર-અપે ગયા વર્ષે હાગ માટે તેમની વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર એક લાંબી રોમેન્ટિક પોસ્ટ પણ લખી હતી.

LEAVE A REPLY