અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં મંગળવાર, 25 નવેમ્બરે એક પવિત્ર સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું હતું. મોદીએ સાધુઓ-સંતો, મહાનુભાવો અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્યોની હાજરીમાં ધાર્મિક વિધિઓઓ સાથે 22 ફૂટની ધર્મધજાનું વિધિપૂર્વક આરોહણ કર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનને જણાવ્યું હતું કે અહીં રામ મંદિરના નિર્માણ કાર્યની ઔપચારિક પૂર્ણાહુતિ સાથે 500 વર્ષ જૂનો સંકલ્પ આખરે પૂર્ણ થયો હોવાથી સદીઓથી થયેલા “ઘા અને પીડા” રૂઝાઈ રહ્યા છે.આ ક્ષણને “યુગાનકાળ” ગણાવતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે અયોધ્યા વધુ એક ઐતિહાસિક સીમાચિહ્નનું સાક્ષી બની રહ્યું છે અને સમગ્ર દેશ અને વિશ્વ રામમય બન્યું છે.
આ પ્રસંગે સાથે RSS વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પણ હાજર હતાં.
ત્રિકોણાકાર ભગવા ધ્વજમાં સૂર્યનું પ્રતીક છે, જે શાશ્વત ઊર્જા, દૈવી તેજ, સદગુણ અને જ્ઞાન અને ભગવાન રામ સાથે સંકળાયેલા તમામ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ધ્વજ પર ‘ઓમ’નું પ્રતીક પણ લખેલું છે. તેને પરંપરાગત ઉત્તર ભારતીય નાગર સ્થાપત્ય શૈલીમાં બનેલા ‘શિખર’ પર સ્થાપિત કરાયો હતો. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ રામ અને સીતાના લગ્ન પંચમીના મુહૂર્તના દિવસે યોજાયો હતો. આ તારીખ નવમા શીખ ગુરુ ગુરુ તેગ બહાદુરનો શહીદ દિવસ પણ છે, જેમણે 17મી સદીમાં અયોધ્યામાં 48 કલાક અવિરત ધ્યાન કર્યું હતું.
આ ધાર્મિક વિધિઓ અયોધ્યા, કાશી અને દક્ષિણ ભારતના ૧૦૮ આચાર્યો દ્વારા પ્રખ્યાત કાશી વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી. પીએમ મોદીએ 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરી હતી. હવે આ રામ મંદિરનું નિર્માણકાર્ય સંપૂર્ણરીતે પૂર્ણ થઇ ગયું છે તેથી ધ્વજારોહણ કરાયું હતું.
અયોધ્યામાં રામ મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમ માટે આશરે ૬ હજાર જેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં ટોચના નેતાઓ, સાધુ સંતોથી લઇને અનેક સેલિબ્રિટીઓ, બિઝનેસમેન વગેરેનો સમાવેશ થાય છે.














