Getty Images)

83 સરકારી ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 20,000થી વધુ બ્રિટિશ પ્રવાસીઓ તા. 7મી મે સુધીમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશોમાંથી યુકે પાછા ફરનાર છે. તાજેતરમાં જ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી વધુ 28 ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા લગભગ 7,000 બ્રિટિશ પ્રવાસીઓને પરત લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારતથી, 28 એપ્રિલથી તા. 4 મે દરમિયાન 14 ફ્લાઇટ; પાકિસ્તાનથી, તા. 30 એપ્રિલથી તા. 7 મે દરમિયાન 9 ફ્લાઇટ અને બાંગ્લાદેશથી 29 એપ્રિલથી 7 મેની વચ્ચે 5 ફ્લાઇટ પરત થશે. આ ફ્લાઇટ્સ ઉપરાંત બીજી 55 ચાર્ટર ફ્લાઇટ્સ અગાઉના અઠવાડિયામાં આખા દક્ષિણ એશિયાથી રવાના થઈ ચૂકી છે.

મિનીસ્ટર ઓફ સ્ટેટ ફોર સાઉથ એશિયા એન્ડ ધ કોમનવેલ્થ લોર્ડ તારિક અહમદે જણાવ્યું હતું કે “આ ક્ષેત્રમાં ફસાયેલા બ્રિટીશ લોકો યુકે પાછા આવી શકે તે સુનિશ્ચિત કરવા માટે અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. અમે પહેલાથી જ 55 જેટલી ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 12,000થી વધુ બ્રિટ્સને મદદ કરી. આ 28 વધારાની ફ્લાઇટ્સ દ્વારા દક્ષિણ એશિયાથી વધુ 8,000 લોકોને યુકે પરત લાવવામાં આવશે. અમે જાણીએ છીએ કે બ્રિટીશ પ્રવાસીઓ તેમના મિત્રો અને પરિવારજનોને ઘરે મળવા જવાની ચિંતા કરે છે અને અમે તેમને યુકે પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. બ્રિટિશ પ્રવાસીઓને ફ્લાઇટ્સની નવીનતમ માહિતી માટે અમારી ટ્રાવેલ એડવાઇઝ પર નજર રાખવા અને જો તેમને તાત્કાલિક કોન્સ્યુલર સપોર્ટની જરૂર હોય તો અમારી એમ્બેસી અને હાઇ કમિશનનો સંપર્ક કરી શકે છે.”

તા. 4 મે સુધીમાં 52 ફ્લાઇટ દ્વારા લગભગ 13,000 લોકો ભારતથી, તા. 7મી મે સુધીમાં પાકિસ્તાનથી 19 ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 5,000 લોકો અને તા. 7 મે સુધીમાં બાંગ્લાદેશથી 9 ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 2,100થી વધુ બ્રિટિશ પ્રવાસીઓ તેમજ યુકે પરત ફરશે. તા. 8થી 17 એપ્રિલની વચ્ચે નેપાળથી 3 ચાર્ટર ફ્લાઇટમાં 700 થી વધુ મુસાફરો યુકે પરત ફર્યા છે.