જયેશ પટેલ અને મેહુલ પટેલ

નોર્થ લંડનમાં બ્લિસ કેમિસ્ટની માલિકી ધરાવતા અને મિત્રોએ જેમને ‘લાખોમાં એક’ વ્યક્તિનુ બિરૂદ આપ્યુ હતુ તે ફાર્મસીસ્ટ મેહુલ પટેલનું ગુરૂવારે કોરોનાવાયરસ રોગ સામે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં લડ્યા બાદ અવસાન થયું હતું. જ્યારે કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ અન્ય ફાર્માસિસ્ટ જયેશ પટેલનું 22 એપ્રિલના રોજ એપ્સમ જનરલ હોસ્પિટલમાં નિધન થયું હતું.

બે પુત્રો અને પત્ની અર્પિતાને વિલાપ કરતા મૂકી ગયેલા 48 વર્ષના મેહુલ પટેલને એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના ભગ્નહ્રદયી 46 વર્ષીય હતાશ પત્ની અર્પિતાએ તેના હીરો ફાર્માસિસ્ટ પતિને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યુ હતુ કે “તેઓ એક સાચા એનએચએસ હીરો હતા જેમણે સતત કામ કરવાનું ચાલુ રાખ્યું હતુ. કારણ કે તેઓ તેમના દર્દીઓની મદદ કરવા માંગતા હતા. તેમના પરિવારજનો અને મિત્રોને હંમેશા તેમની ખોટ સાલશે.” મેહુલ પટેલ તેમના બે ભાઈઓ ચિરાગ અને હેમાંશુ સાથે બ્લિસ કેમિસ્ટની માલિકી ધરાવતા હતા.

શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં નજીકના કૌટુંબીક મિત્ર શીતલ પટેલે સન ઑનલાઇનને કહ્યું હતુ કે “તેઓ ખૂબ જ ડાયનેમિક અને પોતાના વ્યવસાય પ્રત્યે વફાદાર હતા. તેઓ પોતાના દર્દીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના માટે કંઇ પણ કરી છૂટે તેવા હતા. તે એક શ્રેષ્ઠ ફાર્માસિસ્ટ, મહાન પિતા અને પતિ પણ હતા. સમુદાયમાં જેમને પણ મદદની જરૂર હોય તેમને તે હદ બહાર જઇને મદદ કરતા હતા. તેમણે ક્યારેય પોતાની તરફ જોયું નહતુ. તેઓ હંમેશા મદદ મટે હાજર રહેતા હતા.’’

રોયલ ફાર્માસ્યુટિકલ બોર્ડના સભ્ય ડૉ. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મેહુલ જેવા ફાર્માસિસ્ટ્સ કોવિડ-19 સામેના યુદ્ધમાં ફ્રમ્ટલાઇન પર પોતાનું જીવન આગળ ધપાવી રહ્યા છે. તેમની પ્રતિબદ્ધતા, પ્રયત્નો અને સમર્પણનુ મૂલ્ય કેટલું છે તે વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. મારી ખૂબ જ સહાનુભૂતિ અને સંવેદના તેમના પરિવાર સાથે છે.”

કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ 53 વર્ષના અન્ય ફાર્માસિસ્ટ જયેશ ભાનુભાઇ પટેલનું 22 એપ્રિલના રોજ એપ્સમ જનરલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના સગા ભરત પટેલે ‘ધ ફાર્માસિસ્ટટને જણાવ્યુ હતુ કે “જયેશ તેના પરિવાર, મિત્રો અને સાથીદારોમાં તેમની સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા હતા. તેઓ નમ્ર અને સરળ વ્યક્તિ હતા અને તેમને જીવનમાં સાદાઇ ગમતી હતી. તેઓ હૂંફળુ વ્યક્તિત્વ ધરાવતા, મદદ માટે સદાય તત્પર અને સિદ્ધાંતના માણસ હતા.

જયેશ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેઓ માતાપિતા પરત્વે ખૂબજ આદર ધરાવતા અને તેમને ખૂબ ચાહતા હતા. 23 વર્ષનુ સુખી લગ્નજીવન અને 16 અને 19 વર્ષની વયની બે સુંદર પુત્રીના સમર્પિત પિતા જયેશના નિધનથી ઘણા લોકોના જીવનમાં મોટી ખોટ પડશે.”

જયેશ પટેલના મૃત્યુની જાણ સંડરલેન્ડ યુનિવર્સિટીમાં જયેશ સાથે ફાર્મસીનો અભ્યાસ કરનાર નીપા પટેલે એક ટ્વીટ દ્વારા કરી હતી. નિપાએ તેમને સમર્પિત કોમ્યિનીટી ફઆર્મસીસ્ટ તરીકે બિરદાવ્યા હતા.  ગિલ્ડફોર્ડ કેમિસ્ટના સ્મિતા પટેલે તેમને “નજીકના મિત્ર” તેમજ સાથીદાર તરીકે વર્ણવ્યા હતા જ્યાં જયેશભાઇએ જ્યાં 2015 સુધી કામ કર્યું હતું.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ગઈકાલે દાવો કર્યો હતો કે 98 ફ્રન્ટલાઈન સ્ટાફનું મૃત્યુ થયું છે. અન્ય લોકોએ આ આંકડો 140થી વધુનો મૂક્યો હતો અને ઘણા પરિવારોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનોના મૃત્યુ અપૂરતા પ્રમાણમાં પી.પી.ઇ.ના અભાવને કારણે થયા છે.