ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.

પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડીરોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે એમ શ્રી પટેલે ગૌરવભેર જણાવ્યું હતું.

આગામી ૧૦ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હી ખાતે ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્યપ્રધાને દુનિયાના વિવિધ દેશો સાથે ગુજરાતની સહભાગિતાનું ફલક વધારવાની નેમ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, પાછલા બે દાયકામાં ગુજરાતે ૫૫ બિલિયન યુ.એસ. ડોલરની ક્યુમ્યુલેટિવ એફ.ડી.આઈ. મેળવ્યું છે. વર્લ્ડ ક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશમાં જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.

આ પ્રસંગે નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન તથા ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

1 × 5 =