અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને અમેરિકન કોંગ્રેસનાં સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત અંગે મોટું નિવેદન આપ્યું છે. બાઇડેનનું નિવેદન સૂચવે છે કે પેલોસીની મુલાકાત હવે મુલતવી રહી શકે છે. બાઇડેને સૈનાના હવાલે કહ્યું છે કે આ સમયે પેલોસીની મુલાકાત યોગ્ય નથી. બાઇડેને મીડિયા સાથે વાત કરતા આ વાત જણાવી હતી. અગાઉ ચીને અમેરિકાને પેલોસીની તાઈવાનની મુલાકાતના ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી.
બાઇડેને કહ્યું, ‘મને લાગે છે કે અત્યારે આ પ્રવાસ ખેડવાનો યોગ્ય સમય નથી. પરંતુ મને ખબર નથી કે આ પ્રવાસની વર્તમાન સ્થિતિ શું છે. બાઇડેનને પેલોસીની સંભવિત મુલાકાત વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બાઇડેનનું નિવેદન સૂચવે છે કે પેલોસી હવે તાઇવાનની મુલાકાત લેશે નહીં. પેલોસી અગાઉ એપ્રિલમાં તાઇવાનની મુલાકાતે જવાનાં હતાં. પરંતુ કોવિડ પોઝિટિવ હોવાના કારણે તે જઈ શક્યાં ન હતાં. એવા અહેવાલો હતા કે પેલોસીએ આવતા મહિને તાઇવાનની મુલાકાત લેવાનું મન બનાવી લીધું હતું. જો કે તેમની ઓફિસે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, ચીન આ પગલાને એ રાજદ્વારી કરારોનું ગંભીર ઉલ્લંઘન માને છે જે ચીન અને અમેરિકા વચ્ચે વધુ સારા સંબંધો બનાવવાના હેતુથી કરાયા હતા. તેમણે કહ્યું, ‘ચીન અમેરિકાને વિનંતી કરે છે કે, તે આ પ્રવાસની મંજૂરી ન આપે અને તાઈવાનને અલગ ન કરવાની તરફેણમાં સમર્થન સંબંધિત પોતાનું વચન પૂરું કરે.’ તેમણે આગળ કહ્યું, ‘જો અમેરિકા આ રીતે આગળ વધતું રહેશે તો ચીને કડક પગલાં લેવા પડશે.