વર્ષ 2020 માટેના 68મા નેશનલ ફિલ્મ એવોર્ડની ગુરુવારે જાહેરાત થઈ હતી. તમિલ ફિલ્મ ‘સુરારાઈ પોટ્ટરુ’ને બેસ્ટ ફિચર, બેસ્ટર એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. બીજા મોટા વિજેતામાં અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ રહી હતી. આ ફિલ્મ માટે અજય દેવગણને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને હોલસમ એન્ટરટેઇનમેન્ટ માટે બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો પણ એવોર્ડ મળ્યો હતો. તાન્હાજી એક એવી ઐતિહાસિક ફિલ્મ છે, જેમાં મરાઠા સામ્રાજ્યની શૂરવીરતાને ભવ્ય અંદાજમાં રજૂ કરાઈ છે. તાન્હાજી માટે બેસ્ટ કોચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ નચીકેત બારવે અને મહેશ શેરલાને મળ્યો હતો.
અજય દેવગણની સાથે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સુરારાઈ પેટ્ટરુ માટે સુર્યાને પણ મળ્યો હતો. આ ફિલ્મમાં એર ડેક્કનના સ્થાપક કેપ્ટન જીઆર ગોપીનાથના જીવન આધારિત છે. આ ફિલ્મ માટે અપર્ના બાલામુરાઈને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ ‘તુલસીદાસ જુનિયર’ને મળ્યો હતો.
અજય દેવગણને અગાઉ ‘ઝખ્મ’ (1998) અને ‘લિજન્ડ ઓફ ભગત સિંહ’ (2002)માં અભિનય બદલ બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. દેવગણે જણાવ્યું હતું કે ત્રીજા વખત સન્માન મેળવતા તેમને આનંદ થયો છે. .
સુરારાઈ પોટ્ટરુ ફિલ્મ માટે શાલિની ઉષા નાયરને બેસ્ટ સ્ક્રીનપ્લેન એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ માટે જીવી પ્રકાશ કુમારને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર (બેકગ્રાઉન્ડ સ્કોર)નો એવોર્ડ મળ્યો હતો. સ્વર્ગસ્થ મલાયલમ ફિલ્મમેકર સચિદાનંદન કેઆરને અય્યારપ્પનુમ કોશિયુમ માટે મરણોપરાંત બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ બિજુ મેનને, તથા બેસ્ટ પ્લેબેક ફિમેલ સિંગરને એવોર્ડ નનચમ્માને મળ્યો હતો. બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ મરાઠી ફિલ્મ મી વસંતરાવ માટે રાહુલ દેશપાંડને મળ્યો હતો.