corona virus and world

ચીને પોતાના હુબેઇ પ્રાંતમાં ત્રણ મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને હટાવી લેવાનો નિર્ણય લીધો છે. આ પ્રાંતની કુલ વસ્તી ૫.૬ કરોડ છે. ઉલ્લેખનીય છે કે હુબેઇ પ્રાંત કોરોના વાઇરસનું એપિ સેન્ટર છે. જો કે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોનાનો બીજો તબક્કો ફરીથી શરૃ થઇ શકે છે.

આમ છતાં ચીને આ ચેતવણી અવગણીને લોકડાઉન ઉઠાવી લેવાની જાહેરાત કરી છે.હુબેઇ પ્રાંતના વુહાનમાં આઠ એપ્રિલે લોકડાઉન સમાપ્ત થશે. વુહાનની વસ્તી ૧.૧ કરોડ છે. ચીનના મધ્યમાં આવેલા વુહાન શહેરમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.

હુબેઇ અને વુહાનમાં જાન્યુઆરીથી કડક લોકડાઉનનો અમલ શરૃ કરવામાં આવ્યો હતો. હુબેઇ અને વુહાનમાં ૨૩ જાન્યુઆરીથી તમામ પ્રકારના ટ્રાફિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જો કે હુબેઇ પ્રાંતમાં સોમવારે નવા સાત લોકોના મોત થયા હતાં અને આ સાથે જ વુહાનમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૩૧૬૦ થઇ ગઇ છે.