પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સાઇબર જાસૂસી અભિયાનના ભાગરૂપે ચીન સરકારના શંકાસ્પદ હેકર્સે તાજેતરના મહિનાઓમાં ભારતના વીજળી ક્ષેત્રને ટાર્ગેટ બનાવ્યું હતું, એવી ઇન્ટેલિજન્સ કંપની રેકોર્ડેડ ફ્યુચરના બુધવારે જારી થયેલા રીપોર્ટમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

રીપોર્ટમાં જણાવાયું છે કે લડાખમાં ભારત-ચીન વચ્ચેની વિવાદાસ્પદ સરહદ નજીકના વિસ્તારોમાં ગ્રીડ કંટ્રોલ અને વીજળી વિતરણ માટેની કામગીરી સંભાળતા ઉત્તર ભારતના ઓછામાં ઓછા સાત લોડ ડિસ્પેચ સેન્ટર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આમાંથી એક લોડ ડિસ્પેચ સેન્ટર્સને અગાઉ રેડઇકો નામના બીજા એક હેકિંગ ગ્રૂપે ટાર્ગેટ બનાવ્યું હતું. આ હેકિંગ ગ્રૂપ અમેરિકાએ ચીનની સરકારનું ગણાવ્યું છે તેવા એક ગ્રૂપ સાથે જોડાયેલું છે.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ચીની સરકાર સાથે સંકળાયેલા હેકિંગ ગ્રુપ દ્વારા ભારતીય પાવર ગ્રીડ પર લાંબા સમય સુધી કરવામાં આવેલા હુમલાના પરિણામે મર્યાદિત આર્થિક જાસૂસી અથવા પરંપરાગત ગુપ્ત માહિતી એકત્ર થઈ શકે છે. તેનાથી મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત માહિતી મેળવવાનો ઇરાદો પણ હોઈ શકે છે.

આ ઉપરાંત ચીનના હેકર્સે ભારતની નેશનલ ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપનીની પેટાકંપનીને પણ ટાર્ગેટ કરી છે. TAG-38 નામનું આ હેકિંગ ગ્રૂપ શેડોપેડ નામના એક ખતરનાક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ સોફ્ટવેરના છેડા અગાઉ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી સાથે જોડાઈ ચુક્યા છે. જોકે ચીની હેકર્સ દ્વારા કયા સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા અને જે કંપની પર સાઈબર એટેક કરવામાં આવ્યો હતો તેના નામનો ઉલ્લેખ કરાયો નથી.

રેકોર્ડેડ ફ્યુચરનાના સિનિયર મેનેજર જોનાથન કોન્ડ્રાએ જણાવ્યું કે, હેકર્સ દ્વારા ઘૂસણખોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ તદ્દન અસામાન્ય હતી. તેમણે ઇન્ટરનેટ ઓફ થીંગ ડિવાઇસ અને કેમેરાનો ઉપયોગ કર્યો હતો. ઘૂસણખોરી માટેની આવી ડિવાઇસ દક્ષિણ કોરિયા અને તાઈવાનથી ઓપરેટ થતા હતા. આ મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયનો આ અંગે કોઈ ટીપ્પણી કરી ન હતી. ચીને હંમેશા આવા ગુનાઓમાં પોતાની સંડોવણીનો ઈનકાર કર્યો છે. ભારતના અધિકારીઓએ પણ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.