વોશિંગ્ટન, ડી.સી. સ્થિત ઇન્ડિયન એમ્બેસી દ્વારા છેતરપિંડીના કોલ અંગે લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. આ કૌભાંડ આચરતા લોકો દ્વારા આમ જનતાને ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ તરીકે છેતરપિંડીભર્યા ફોન કોલ્સ કરવામા આવે છે.
કૌભાંડીઓ “સ્પૂફિંગ” તરીકે ઓળખાતી ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેમના કોલ જાણે કે સીધા એમ્બેસીના જ સત્તાવાર ટેલિફોન નંબર 202-939-7000થી આવી રહ્યા હોય તેવું લાગે. આ કૌભાંડીઓ એમ્બેસીના અને અન્ય સંબંધિત ઓળખનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકો અને વિઝા અરજદારોને લક્ષ્ય બનાવી ફોન કરીને છેતરપિંડી કરી રહ્યા છે.
તેઓ લોકો કોન્સ્યુલર ફોર્મમાં ભૂલો હોવાનું અથવા ભારતીય પોલીસ કે ઇન્ટરપોલમાં પેન્ડિંગ ફરિયાદો હોવાનું જણાવે છે. તો કેટલાક કિસ્સામાં તેમણે લોકોને ફોન કરીને ખોટો દાવો કર્યો હતો કે તેમના પાસપોર્ટ, વિઝા ફોર્મ અથવા ઇમિગ્રેશન દસ્તાવેજોમાં ભૂલો છે જેને ફક્ત ફી ચૂકવીને જ સુધારી શકાય છે. તેઓ જે તે વ્યક્તિઓને તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિં આવે તો ભારત દેશનિકાલ કરવાની અથવા યુ.એસ.માં ધરપકડ કરવાની ધમકીઓ આપે છે. તે પછી તેઓ વ્યક્તિગત વિગતો મેળવવાનો અથવા લોકો પાસેથી પૈસા માંગવાનો પ્રયાસ કરે છે.
એમ્બેસીએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના અધિકારીઓ ક્યારેય વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી માટે વિનંતી કરતા કોલ કરતા નથી. વધારાના દસ્તાવેજો સંબંધિત કોઈપણ કાયદેસર સંદેશાવ્યવહાર ફક્ત “@mea.gov.in” ડોમેનના સત્તાવાર ઇમેઇલ દ્વારા જ કરવામાં આવશે.
આવા શંકાસ્પદ કૉલ્સ મેળવનારા વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો શેર ન કરે અને [email protected] પર ઇમેઇલ કરીને ઘટનાની જાણ કરે. તપાસમાં મદદ કરવા માટે, તેઓ બનાવટી કૉલની વિગતો આપતું ફોર્મ પણ ભરી શકે છે અને તેને [email protected] પર સબ્જેક્ટમાં “INFORMATION ON SPOOFED CALLS” લખીને મોકલી શકે છે.
સંભવિત પીડિતોને FBI ના ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પ્લેઇન્ટ સેન્ટર (IC3) પોર્ટલ https://www.ic3.gov/ પર ફરિયાદ નોંધાવવા વિનંતી કરવામાં આવી છે.
