+. શનિવાર, 30 ઓગસ્ટે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં 12 કલાકમાં 250 મીમી (9.84 ઇંચ) વરસાદ ખાબતા નદીઓમાં પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીના ઉપરવાસમાં વરસાદને કારણે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
મેસરી નદીના વધતા પાણીના સ્તર વચ્ચે, ગોધરા અને હાલોલના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતાં. પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી ગોધરા શહેરના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે હાલોલ ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની એક ટીમને તૈનાત કરાઈ હતી. મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓ – પંચમહાલ, આણંદ અને મહિસાગર – સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ શનિવારે સવારે 6 વાગ્યાથી 12 કલાકમાં હાલોલ તાલુકામાં 250 મીમી વરસાદ પડ્યો હતો અને આણંદના ઉમરેઠમાં આ સમયગાળા દરમિયાન 120 મીમી વરસાદ નોંધાયો હતો.પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે હાલોલ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રામીણ વિસ્તારોના ઘણા ગામડાઓ પણ ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા, ઘણા બંધો ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા હતા.
ચોમાસાની વર્તમાન સિઝનમાં જૂનમાં સરેરાશ સૌથી વધુ 12 ઇંચ, જુલાઈમાં 10 ઇંચ જ્યારે ઓગસ્ટમાં 9.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાલ રાજ્યના 48 તાલુકા એવા છે, જ્યાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 100 ટકા વરસાદ વરસ્યો હોય તેવા 10 જિલ્લા છે.
દક્ષિણ ગુજરાતમાં 55 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ચાલુ સિઝનમાં જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદનો પડ્યો હતો. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઇંચ વરસાદ નોંધાયો હતો.
