SCO
Alexander Zemlianichenko/Pool via REUTERS/File Photo

ચીનના તિયાનજિનમાં યોજાયેલી બે દિવસની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર બેઠકમાં અમેરિકાની આગેવાની હેઠળની હાલની વૈશ્વિક વ્યવસ્થા સામે પડકાર ફેંકવામાં આવ્યો હતો. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20 બિન પશ્ચિમી દેશોના નેતાઓની હાજરીમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ગ્લોબલ સાઉથને પ્રાધાન્ય આપતી નવી વૈશ્વિક સુરક્ષા અને આર્થિક વ્યવસ્થા માટે તેમના વિઝન પર ભાર મૂક્યો મુક્યો હતો. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે આ ત્રણ દેશોના વડાઓએ એકબીજા સાથે દ્વીપક્ષીય બેઠકો યોજી હતી અને એકતાનો સંદેશ આપ્યો હતો.

વાર્ષિક શિખર સંમેલનના અંતે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં આતંકવાદ સામે લડવાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કરાયો હતો અને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરાઈ હતી.સભ્ય દેશો ભારતના એવા વલણ સાથે સંમત થયા હતાં કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો અસ્વીકાર્ય છે.

ટ્રમ્પની ટેરિફ નીતિનો ગર્ભિત વિરોધ કરતાં જિનપિંગે જણાવ્યું હતું કે આપણે વર્ચસ્વવાદ અને સત્તાની રાજનીતિ સામે સ્પષ્ટ વલણ અપનાવવાનું ચાલુ રાખવું જોઈએ અને સાચા બહુપક્ષીયવાદનું પાલન કરવું જોઇએ. વૈશ્વિક વ્યવસ્થા એક નવા વળાંક પર પહોંચી છે.

શિખર સંમેલન શરૂ થાય તે પહેલાં પુતિન અને મોદી એકબીજાનો હાથ પકડીને જિનપિંગ તરફ આગળ વધતા દર્શાવવામાં આવ્યા હતા.શિખર સંમેલન પછી દ્વિપક્ષીય બેઠક માટે જતા સમયે મોદી અને પુતિને રશિયન નેતાની બખ્તરબંધ ઓરસ લિમોઝીનમાં સવાર કરી હતી અને લિમોસિનમાં જ 40 મિનિટ સુધી ગુપ્ત વાતચીત કરી હતી, જે વૈશ્વિક મીડિયામાં ચર્ચાનો કેન્દ્ર બની હતી. પુતિને જણાવ્યું હતું કે SCOએ વાસ્તવિક બહુપક્ષીયતા ને પુનર્જીવિત કરી છે,

SCO સભ્ય દેશોએ ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની પણ નિંદા કરી હતી.ઘોષણાપત્રમાં પ્રાદેશિક સુરક્ષા વધારવાના માર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આતંકવાદ સામેની લડાઈને એક મુખ્ય પડકાર તરીકે ઓળખવામાં આવ્યો હતો. SCO સભ્ય દેશોએ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ખુઝદાર અને જાફર એક્સપ્રેસ પર થયેલા આતંકવાદી હુમલાઓની પણ નિંદા કરી હતી.

ઘોષણપત્રમાં જણાવાયું હતું કે સભ્ય દેશોએ મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આવા હુમલાઓના ગુનેગારો, આયોજકો અને પ્રાયોજકોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ  હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે  આતંકવાદ સામે લડવું એ માનવતા પ્રત્યેની ફરજ છે. આપણે સ્પષ્ટપણે અને એક અવાજમાં કહેવું જોઈએ કે આતંકવાદ પર બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. સાથે મળીને આપણે દરેક સ્વરૂપ અને અભિવ્યક્તિમાં આતંકવાદનો વિરોધ કરવો જોઈએ. ભારત છેલ્લા ઘણા દાયકાઓથી નિર્દય આતંકવાદના ગંભીર ઘા સહન કરી રહ્યું છે.

ભારત આવવા જિનપિંગને મોદીનું આમંત્રણ

વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખને  2026માં ભારતમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવું આમંત્રણ પણ આપ્યું હતું. જિનપિંગ આમંત્રણ બદલ મોદીનો આભાર માન્યો હતાં અને ભારતના બ્રિક્સ પ્રમુખપદને ચીનનું સમર્થન જાહેર કર્યું હતું. મોદીએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોની સ્થાયી સમિતિના સભ્ય કાઈ ક્વિ સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો અંગે તેમના વિઝનની માહિતી આપી હતી.

ભારત-ચીન હરીફ નહીં,પરંતુ ભાગીદાર બનવા સંમત

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ રવિવારે બંને દેશો વચ્ચેના સીમા મુદ્દાના ન્યાયી, વાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે કામગીરી કરવા સંમત થયાં હતાં તથા વૈશ્વિક વેપારમાં સ્થિરતા લાવવા વેપાર અને રોકાણ સંબંધોને વિસ્તૃત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને દેશો એકબીજાને હરીફ નહીં, પરંતુ વિકાસ ભાગીદાર માનવા તથા મતભેદોને વિવાદોમાં ન ફેરવવા સંમત થયાં હતાં.

 

LEAVE A REPLY