ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શનિવારે અચાનક રાજ્યપાલને મળીને પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. આ ઘટના સાથે ગુજરાતના રાજકરણમાં આશ્ચર્યજનક ફેરફાર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. રૂપાણીએ રાજભવન ખાતે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ભાજપ ટોચના મોવળી મંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરું છું. મેં મુખ્યપ્રધાન તરીકે તમામ જવાબદારી નિભાવી છે. મારા કાર્યકાળમાં ગુજરાતને વિકાસના નવા પંથે આગળ વધાર્યું હતું. નવા નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે અને નવા આયામ સર થશે તેવી આશા સાથે હું આજે મુખ્યપ્રધાન પદેથી વિદાય લઉં છું.
આ ઘટનાને પગલે નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પણ રાજભવન પહોંચ્યા હતા.
રૂપાણીને હટાવવા પાછળ કોરોનાકાળમાં તેમની સરકારની નબળી કામગીરી અને ગુજરાતમાં આમઆદમી પાર્ટીની મજબૂત પ્રવેશને જવાબદાર માનવામાં આવે છે. આમ, પણ આવતા વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના હાઇકમાન્ડે આ પગલું લીધું હોવાની ચર્ચા છે.