મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે શુક્રવારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટાલી અને સુખલીપુરા ગામની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા એકતાનગર વસાહતની પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. જેના પગલે વડોદરાના પદધિકારીઓ અને અધિકારીઓમાં દોડી આવ્યા હતા.
સુખાલીપુરા ગામમાં હજુ તો લોકો પોતાની દિનચર્યા શરૂ કરે ત્યાં સુધીમાં ત્યાં તો તેમને આશ્ચર્યનો અનુભવ થયો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી મોટર માર્ગે સુખાલીપુરા ગામે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લા તંત્રને જાણ કર્યા વિના સુખાલીપુરા ગામે પહોંચેલા જોઇને ગ્રામજનો તો અચંબામાં પડી ગયા.
મુખ્ય પ્રધાને પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી. તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૂછપરછ કરી હતી.
એટલું જ નહીં, તેમણે આંગણવાડી કેન્દ્રમાં પણ જઇને આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરી, નંદઘરમાં અપાતી સુવિધા, પોષક આહાર, રમકડાં, અભ્યાસ સામગ્રી વિશે પૂછપરછ કરી માહિતી મેળવી હતી. મુખ્ય પ્રધાન સુખાલીપુરા ગામના પાદરમાં તળાવના કિનારે મૂકાયેલા બાંકડા ઉપર બેસી ગયા હતા. એક બીપીએલ રાશનકાર્ડ ધારક સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પૂરતું રાશન મળે છે કે કેમ? સમયસર દુકાન ખુલે છે? ક્યું રાશન આપે છે? આ બાબતની જાણકારી મેળવી હતી. તેમણે વડોદરાના એકતાનગરની પણ મુલાકાત લીધી હતી અને અહીં રહેતા નાગરિકો પાસેથી વિગતો મેળવી હતી.