નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૧માં દેશના બધા ર૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૭૮.૮૬ નો સૌથી વધુ માનાંક ગુજરાતે પ્રાપ્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના વિકાસ માટે મુખ્ય આધારસ્તંભ તરીકે – અલગ-અલગ સ્તરે નિકાસને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે
2020 થી સ્થપાયેલ નીતિ આયોગ દ્વારા સ્થાપિત નિકાસ તૈયારી સૂચકાંક (EPI) પર ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ગુજરાત આ પહેલમાં નોંધપાત્ર યોગદાન આપનારૂ રાજ્ય બન્યું છે.
EPI ની બીજી આવૃત્તિ માટે શુક્રવારે 25 માર્ચે રાજ્યવાર રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું . ગુજરાતે આ રેન્કિંગ માં સતત બીજી વખત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમાંક સાથે ફરી એકવાર ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઇન અને ઓછા ખર્ચે લોજિસ્ટિક્સની પોતાની આગવી ક્ષમતાઓ પુરવાર કરીને આ ગૌરવ સિદ્ધિ મેળવી છે.
આ બાબત નિકાસની આગેવાની હેઠળની વૃદ્ધિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતે એકસપોર્ટ પ્રીપર્ડનેસ ઇન્ડેક્ષ ની આકારણીના 4 મુખ્ય સ્તંભો અને 11 પેટા સ્તંભોમાં એકંદરે અગ્રીમ સ્થિતિ મેળવી છે.
આ આધાર સ્તંભોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, ફાઈનાન્સ સુધી પહોંચ, નિકાસ પ્રમોશન પોલિસી વગેરેને આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ ટીમે યોગ્ય માળખું સુનિશ્ચિત કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. અને MSME, વેપારીઓ, મોટા ઉદ્યોગો અને નિકાસલક્ષી એકમો માટે સહાયક પદ્ધતિ અપનાવી છે.
વડાપ્રધાનશ્રી એ 2021-22 ના વર્ષમાં USD 400 બિલિયનની નિકાસ હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્‍યાંક નક્કી કર્યો હતો તે ભારતે 23મી માર્ચ 2022ના રોજ હાંસલ કર્યો છે.
આ સિદ્ધિમાં ગુજરાતનો ફાળો સૌથી વધુ એટલે કે દેશની નિકાસમાં 25% થી વધુનો રહ્યો છે. ગુજરાતે USD 101.2 બિલિયન સુધીનો ફાળો દેશની કુલ નિકાસમાં જાન્યુઆરી 2022 સુધીમાં આપ્યો છે.